પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
કાઝીઝાદા અલ રૂમી, સલાહુદ્દીન મૂસા પાશા

સલાહુદ્દીન મૂસા પાશાનો જન્મ તુર્કીના બુરસામાં આશરે ઈ.સ. ૧૩૬૪ માં થયું હતું. ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી મૂસા પાશાના પિતા ન્યાયાધીશ હતા તેથી કેટલાક લોકો એમને 'કાઝીઝાદા' (નયાયધીશના પુત્ર) તરીકે પણ ઓળખે છે. બુરસામાં પ્રારંભિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી પ્રખર આધ્યાત્મશાસ્ત્રી અને વિશ્વકોષ રચયતા મુલ્લા શમ્સુદ્દીન મુહમ્મદ અલ ફનારી (ઈ.સ. ૧૩૫૦ - ૧૪૩૧) પાસેથી ભૂમિતિ અને ખગોળશાસ્ત્રનું શિક્ષણ મેળવ્યું. પોતાના શિષ્યની અસાધારણ બુદ્ધિ પ્રતિભા જોઈ અલ ફનારીએ સલાહુદ્દીન મૂસા પાશાને એ વખતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન ટ્રાન્સેક્સોનિયા મોકલ્યા કે જ્યાં તેઓ ગણિત અને ખગોળનું વધુ જ્ઞાન મેળવી શકે. સલાહુદ્દીન મૂસા પાશાએ બુરસામાં રહીને જ 'રિસાલા ફી અલ હિસાબ' નામક અંકગણિતના પુસ્તકની રચના કરી હતી.

ઈ.સ. ૧૪૨૧માં ઉલૂગબેગે સમરકંદ (ઉઝબેકિસ્તાન)માં વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી ત્યારે એના વડા તરીકે કાઝીઝાદાને નિયુક્ત કર્યા હતા. ત્યાં તેઓ ગણિત અને ખગોળશાસ્ત્ર વિદ્યાર્થીઓને શીખવાડતા હતા. સમરકંદની વેધશાળાનું કાર્ય ઈ.સ. ૧૪૨૧માં યુવાન ખગોળશાસ્ત્રી અલકાશીના માર્ગદર્શનમાં પૂરૂં થયું એ પછી અહીં ખગોળશાસ્ત્રીય કાર્ય શરૂ થયા. ઈ.સ. ૧૪૨૯માં આ વેધશાળાના નિર્દેશક અલ કાશીનું અવસન થતા ઊલૂગ બેગે કાઝીઝાદાને આ પદ ઉપર નિયુક્ત કર્યો. તેમણે ખગોળીય કોષ્ટકોની રચનાનું કાર્ય શરૂ કર્યું પરંતુ દુર્ભાગ્યે એ પૂર્ણ થાય એ પહેલાં જ ઈ.સ. ૧૪૩૬માં કાઝીઝાદાનું અવસાન થયું, અને આ કાર્ય અધુરૂં રહ્યું.

કાઝીઝાદાએ ત્રિકોણમિતિમાં જૈહી નું મૂલ્ય ૦.૦૧૭૪૫૨ ૪૦૬૪૩૭ જેટલું શોધ્યું હતું. જે અલકાશીએ શોધેલા ચોકસાઈપૂર્વકના મૂલ્ય જેટલું જ હતું. આ ઉપરાંત કાઝીઝાદાએ 'રીસાલા અલ જૈબ' (Treatise on the sine) નામક પ્રબંધની પણ રચના કરી હતી.