પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
૭૫
 

આ પછી ઈદ્રીસીએ આનાથી પણ દળદાર વિશ્વકોષ ‘રવદુન્નાસ વ નુઝહત અલ નફસ’ (Pleasure of men and Delight of Souls) ની રચના કરી.

અલ ઇદ્રીસી ઔષધીય છોડવાઓનું વૈજ્ઞાનિક જ્ઞાન પણ ધરાવતા હતા. આ વિશે એમણે ઘણા પુસ્તકો પણ લખ્યા. આ વિષયમાં ‘કિતાબ અલ જામી લિ સિફા અસ્તાત અલ નબાતાત' પ્રસિદ્ધ છે. એમણે આ વિષય ઉપર શક્ય એટલી બધી જ માહિતીઓનું પૃથ્થકરણ કરી પોતાના પ્રવાસો દરમિયાન સંગ્રહ કરેલી માહિતીઓ તથા મુસ્લિમ વૈજ્ઞાનિકો પાસે ઉપલબ્ધ ઔષધીઓને સંશોધન માટે રજૂ કરી. એમણે ઔષધોનાં નામ બર્બર, સીરીયા, પર્શિયન, ગ્રીક અને લેટીન ભાષાઓ સહિત બાર ભાષાઓમાં રજૂ કર્યા. ઇદ્રીસીએ પ્રાણીશાસ્ત્ર અને પ્રાણીસૃષ્ટિ વિશે પણ લખ્યું.

અલ ઈદ્રીસીના ઘણા પુસ્તકોનું લેટીન ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું. ભૂગોળ વિષયક એમના પૂસ્તકો સદીઓ સુધી યુરોપના વિશ્વવિદ્યાલયોમાં ભણાવવામાં આવતાં રહ્યાં. દુઃખ અને આશ્ચર્ય તો આ વાતનું છે કે આ અનુવાદો થવા છતાં મૂળ લેખક તરીકે ઇદ્રીસીને કોઈ ક્રેડીટ આપવામાં ન આવી. આશ્ચર્યજનક રીતે યુરોપીયનો ઈદ્રીસીના ગોળા અને નકશાઓથી સદીઓ સુધી લાભ ઉઠાવતા રહ્યા. ક્રિસ્ટોફર કૉલમ્બસે જે નકશાનો ઉપયોગ કર્યો હતો એ મૂળ ઈદ્રીસીના કાર્યમાંથી લેવામાં આવ્યું હતું.

અલ ઈદ્રીસીએ ૧૧૬૬માં આ જગતમાંથી વિદાય લીધી.