પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 
ઇબ્રાહીમ ઈબ્ને કુર્રા

ઈબ્રાહીમ ઈબ્ને સીનાન ઈબ્ને સાબિત કુર્રા નો જન્મ બગદાદમાં ઈ.સ. ૯૦૮માં થયો હતો. વિદ્વાનોના કુટુંબમાં જન્મેલા ઈબ્રાહીમના પિતા સીનાન એક તબીબ, ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતા તો દાદા સાબિત ઇબ્ને કુર્રા પણ વિદ્વાન હતા. માત્ર ૩૮ વર્ષની નાની ઉમરે (ઈ.સ. ૯૪૬) મૃત્યુ પામતા પહેલા ઈબ્રાહીમ ઈબ્ને સીનાને ગણિતમાં જે મહત્વનું સંશોધન કર્યું એ માટે ઇતિહાસકારો અને જીવનચરિત્ર લેખકોએ ગંભીર નોંધ લીધી છે. આ કાર્યમાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે. દા.ત. વર્તુળની સ્પર્શરેખા (Tangent), સામાન્ય ભૂમિતિ, સૂર્યની ગતિ, પ્રતિબિંબ ઉપર પ્રકાશશાસ્ત્રનું મહત્વનું અધ્યયન, સૂર્યકલાકો (solar hours), અસ્તૂરલેબ તથા બીજા ખગોળીય સાધનો વગેરેનો સમાવેશ થાય છે.

ઈબ્રાહીમના દાદા સાબિત ઇબ્ને કુર્રાએ પરવલય (Parabola)નો ઉકેલ આર્કિમીડીઝના ઉકેલથી બીજી રીતે શોધી કાઢ્યો હતો. આર્કિમીડીઝની રીતથી આ રીત થોડી સરળ હોવા છતાંય મુશ્કેલ હતી કારણ કે આમાં ર૦ પ્રમેયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈબ્રાહીમ ઈબ્ને સીનાને ક્ષેત્રફળના પ્રમાણમાં આનો સરળ ઉકેલ શોધી બતાવ્યો. આ ઉકેલથી એમની ગાણિતિક પ્રતિભાનો પરિચય મળે છે. એમનો આ પ્રયત્ન શિષ્ટ ભૂમિતિ (કલાસીકલ જ્યોમેટ્રી)ના સશક્તિકરણ માટે કારણભૂત મનાય છે. આથી તેમને ગાણિતિક ફિલસૂફીના પ્રશ્નોના નિરાકરણ કરનાર આગળ પડતા ગણિતશાસ્ત્રી તરીકે નામના મળી.