પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 



ઇબ્ને ખલ્દૂન

વિશ્વના પ્રસિદ્ધ ઈતિહાસકાર અબ્દુલ રહેમાન બિન મુહમ્મદ ઇબ્ને ખલ્દૂનનો જન્મ ઈ. સ. ૧૩૩રમાં ટ્યુનીસમાં થયો હતો. ઈબ્ને ખલ્દૂનના પૂર્વજો મૂળ યમનના આરબ હતા. જેઓ આઠમી સદીમાં સ્પેનમાં સ્થાયી થયા હતા. પરંતુ ઈ. સ. ૧૨૪૮માં સ્પેનના સેવિલમાં ખ્રિસ્તીઓના આક્રમણો શરૂ થતા તેઓ ઉત્તર પૂર્વ આફ્રિકાના ટ્યુનીસમાં સ્થાયી થયા હતા. ઈબ્ને ખલ્દૂન ટ્યુનીસના હફસીદ શાસકની સેવામાં જોડાયા, પરંતુ અહીં સંતુષ્ટ ન થતાં ઈ.સ. ૧૩૫૪માં ફેઝના મેરીનાદ શાસક અબુ ઈનાનનું આમંત્રણ સ્વીકારી એના દરબારમાં સેવા આપવા પહોચ્યા. અબૂ ઈનાનને કોઈ વાતમાં શંકા પડતા ઇબ્ને ખલ્દૂનને ૨૧ મહિના જેલમાં પણ વીતાવવા પડ્યા હતા. ઈબ્ને ખલ્દૂને અલ્જીરીયાના અંતરિયાળ ગામ કલાત ઈબ્ને સલામોમાં આશ્રય મેળવ્યો. તેઓ અહીં ત્રણ વર્ષ (ઈ. સ. ૧૩૭૫-૭૮)ના રોકાણ દરમિયાન વિશ્વનો ઈતિહાસ લખવાનો પ્રારંભ કર્યો. નવેમ્બર ૧૩૭૭માં ‘મુકદ્દમાં' (Introduction) નું પ્રથમ લખાણ પૂરું કર્યું. ઈબ્ને ખલ્દૂને પોતે લખેલા વિશ્વના ઈતિહાસ વિષયક ગ્રંથનું લાંબુલચક નામ “Book of the lessons and archieve of early and subsequent history, dealing with the political events concerdining the Arabs, Non Arabs and Berbers and the Supreme rulers who were contemporary with them." આની પ્રસ્તાવના અને પ્રથમ ગ્રંથ એક સ્વતંત્ર કાર્ય પણ છે, જેનું નામ ઉપર જણાવ્યું તેમ ‘મુકદ્દમાં' હતું, ‘મુકદમાં' ઇબ્ને ખલ્દૂન દ્વારા લખાયેલ સાહિત્ય, અને ઇતિહાસની ફિલસૂફી તથા સમાજશાસ્ત્ર વિશેનો પ્રશિષ્ટ ગ્રંથ માનવામાં આવે છે.

ઇબ્ને ખલ્દૂને એમની પહેલાના રીત રિવાજ કે માત્ર રાજકીય ઈતિહાસ જ લખવો, એનાથી, વિરૂદ્ધ રાજકીય ઉપરાંત પર્યાવરણીય, સમાજશાસ્ત્રીય, મનોવૈજ્ઞાનિક અને આર્થિક પરિબળો અને ઘટનાઓ સાથે ઇતિહાસનું નિરૂપણ કરી એક નવો જ ચીલો ચીતર્યો. આ રીતે ઇબ્ને ખલ્દૂનનું ઇતિહાસલેખન અજોડ ગણાય છે, એમણે ઇતિહાસના વિજ્ઞાનમાં આમૂલ પરિવર્તન આપ્યું અને સમાજશાસ્ત્રની નવી શાખાનો પાયો નાંખ્યો.

જૂથ સંબંધો માનવીય, રાજકીય તથા સામાજિક સંસ્થાઓ એ પર્યાવરણીય અને મનોવૈજ્ઞાનિક પરિબળો દ્વારા સંચાલિત થાય છે એવું જાહેર કરનાર એ પ્રથમ ઇતિહાસકાર હતા.