પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
સુદર્શન ગદ્યગુચ્છ - ૨
 

અથવા શક્તિનો (domestic economy) વિચાર ન કરતાં, રોજ ચંદનહાર અને ચીનાઈ સાડીને માટે કંકાસ કરી પોતાના સંબંધીઓને શું ખેદ પેદા કરતી હશે તેનું અનુમાન પણ કેમ કરી શકશે ? જાતે નાનાં નાનાં ગૃહકર્મમાં (house management) કુશલ ન હોવાથી તથા મોટાઈના ખોટા વહેમ મનમાં ભરાયાથી તે કેટલું નુકસાન વેઠતી હશે, છેતરાતી હશે, ઠગાતી હશે, બીજા પાસે તેવાં કામ કરાવવાનાં સાધન ન હોવાથી દુઃખ પણ શું પામતી હશે તેનો આપણને ક્યાંથી ખ્યાલ આવી શકે ? આ બધા ઉપરાંત સ્ત્રી પોતાની હઠીલાઈથી, અનુદારતાથી, અસદવૃત્તિથી, ટૂંકામાં સર્વને આહલાદકારક ચંદ્રપ્રકાશવત્ પ્રસરતા અગાધ પ્રેમના તેજ વિના, કેવી કાલરાત્રિરૂપ કંકાસની જ છબી બની રહેતી હશે તે કોણ સમજી શકે ? આ રીતે અવલોકન કરતાં વ્યવહારપક્ષનો બીજો વિષય જે પોતાની સંબંધી તરફની ફરજ તે અદા કરવાની કેળવણી કેવી હોવી જોઈએ તે સમજાય છે. તેની જ સાથે તેની ઉદારતા, તેની નીતિ, અર્થાત્, તેની જગત પ્રતિ વર્તણૂક – તે પણ તપાસી લઈએ. નીતિ તે શું ? જે સારું તે નીતિવાળું ને નઠારું તે અનીતિવાળું. પણ સારું શું ? જેથી જગતમાં જાતને સુખ થાય તે. પરણવું તે જાતે સુખી થવા માટે જ. ધણી ઠીક ન પડ્યો તો બીજો કરાય જ – સુખ માટે. મરી ગયો તો પુનર્લગ્નમાં તો વાંધો જ શાનો ? સુખ માટે. આ બધી નીતિ આપણી નથી, પારકી છે. આપણા લોક – એટલે આર્ય લોક – જાતના સુખને મુખ્ય નથી માનતા પણ જગતના સુખને મુખ્ય માને છે. ને બોધ કરે છે કે જ્યાં સુધી “હું” એ શબ્દ વિષેનો વ્યવહાર બધા જગતથી ભેદ રાખીને કરવામાં આવે ત્યાં સુધી નીતિ પાકી નથી થઈ એમ જાણવું. જ્યાં સુધી મને સુખ તે જગતમાત્રને, ને જગતમાત્રને દુઃખ એ મને એ વૃત્તિ દૃઢ થઈ નથી ત્યાં સુધી નીતિની વાત નકામી જેવી જ છે. આ જ આપણા ધર્મનો સિદ્ધાંત છે ને તેને વળગી રહેવાથી ઉદય જ થાય છે. એ સિદ્ધાંતમાં બતાવેલી નીતિ ઐહિક કહો કે પારલૌકિક કહો પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે એ તો નિશ્ચય. અમુક માણસે પોતાના ઉપર જ દૃષ્ટિ રાખી તે સધાય એવી જે નીતિ લેવી એ, (જોકે આજકાલની કેળવણીમાં તો તે જ બીજા આકારમાં પણ પ્રધાનપણે વર્તે છે) અનાર્ય અને આડે માર્ગે લઈ જનાર છે. હવે વિશેષ વિચાર કે : જેવો માણસનો અંત્યફલનો વિચાર તેવી તેની નીતિ. જે પોતાનું જ સુખ ચહાય છે તે તેવી જ નીતિ લેવાનો; જે પરમ સુખ ચહાય છે તે તેવી