પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
૧૫
 

લેવાનો. આ બે મોટા નીતિના ભેદ છે ને પાશ્ચાત્ય દેશોમાં ને અત્રત્ય દેશોમાં એ જ ભેદને ધોરણે વ્યવહાર, રૂઢિ, ધર્મ વગેરેના પ્રસિદ્ધ તફાવત પડી ગયા છે. જ્યાં સુધી સનાતન ધર્મની નીતિએ માણસ ચઢે નહીં ત્યાં સુધી બીજા નીતિમાર્ગમાં ગયાનાં પરિણામ હાલની સ્ત્રીકેળવણીનાં જે થયાં મનાય છે તેવાં જ થવાનાં. જેમ ધર્મનું નામ સાંભળીને કાન ઢાંકવા, જ્ઞાતિભેદ ન ગણતાં અમર્યાદ થવું, કે બુટ મોજાં પહેરીને અંગ્રેજીમાં તડાકા મારવા એ સુધારો નથી; તેમ જેની તેની સાથે પટપટ જવાબ દેવા, તરત તરત વહાલા મિત્રોને આમંત્રણ કરવાં, સંબંધીઓને મોઢે મિઠાશ ને પાછળ ગમે તેમ એમ રાખવા, એ તથા ચળકતી સાડી, બુટના ચમચમાટ અને પંખાના ધીમા પવન એ સ્ત્રીકેળવણી પણ નથી જ; ખરી કેળવણી સ્વધર્મ પાળી, પરમધર્મ પામવામાં રહેલી છે ને તે આગળ જણાવેલે રસ્તે નહિ આપવામાં આવે ત્યાં સુધી કદાપિ પરિપૂર્ણ થનાર નથી એમ અમારું મત છે. ગીતામાં પણ કહ્યું છે કે स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: પોતાના જ ધર્મમાં રહીને મરવું તે સારું છે, પણ પારકા ધર્મમાં પડવું એ હાનિકારક છે. આ રીતે જણાવેલી શાસ્ત્રીય (scientific) અને નીતિની કેળવણી જ્યાં સુધી સ્ત્રીઓને આપવામાં આવશે નહિ અને કેવલ પારકા ઉપર જ આધાર રાખવામાં આવશે, ત્યાં સુધી આપણા સ્ત્રીવર્ગની સ્થિતિ છે તેથી પણ વિશેષ અધમ થવાનો ભય વધતો જ જવાનો.

વ્યવહારજ્ઞાનનો વિષય તપાસતાં નીતિમાર્ગને માટે જે કહેવામાં આવ્યું તેના સંબંધમાં હજુ કેટલીક વિશેષ બિના જણાવવાની જરૂર છે. જેને સનાતન નીતિ એમ કહી શ્રેયના સુલભ અને નિશ્ચિત માર્ગ રૂપે વર્ણવી તેવી નીતિ પ્રાપ્ત કરવા માટે શિક્ષણનો પ્રકાર અમુક રીતિનો જોઈએ એમ કહેવામાં આવ્યું. એ વાજબી છે, તથાપિ તેમાં નીતિ કઈ રીતે સારી સમજાવી કે શીખવી શકાય એ સમજવું આવશ્યક છે. નીતિ વિષેના પાઠ ગોખાવવાથી નીતિ સારી નીવડશે, કે માર મારવાના ડરથી કે એવા જ લાભ અલાભના નિયમથી નીતિ સુધરશે, કે સારાં જીવનચરિત્રો વંચાવવાથી જ નીતિ દૃઢ થઈ આવશે ? નીતિપાઠ ગોખવાથી તો નીતિનાં ભાષણ કેમ કરવાં તથા ઘણામાં ઘણી ઉત્તમ નીતિનો ડોળ કેવો રાખવો એ જ્ઞાન દૃઢ થશે ખરું, પણ તેથી જે અંતઃકરણને કેળવવાની ધારણા ને સન્માર્ગે પ્રવૃત્ત થવાની આશા તે સફલ થનાર નહિ. તેમજ કેવલ ભયથી જ નિયમમાં રાખેલાં માણસ કેટલો વખત નીતિમાં રહે એ આપણને