પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
સુદર્શન ગદ્યગુચ્છ - ૨
 

કહ્યું તેમ શ્રેષ્ઠ પુરુષોએ સદાચાર અને સદ્‌બુદ્ધિનો પ્રચાર વિસ્તારવો જોઈએ પણ નિરાશ થઈ ઘરસંસાર સુધરશે તો જ બીજું થશે એવી ખોટી હઠ લઈ બેસી રહેવું ન જોઈએ. કોઈને એમ લાગશે કે નીતિ સુધારવાનો ઉપાય સદાચાર બતાવ્યો, ને સદાચાર માટે જે ભાષણાદિકને નિરુપયોગી જેવાં ગણી કાઢ્યાં તે જ સૂચવ્યાં, એ ઊંટ કુંડાળે પાડ્યા જેવી તકરાર થઈ. પણ તેમ નથી. આચાર અર્થાત્ સદાચાર એ જ નીતિ પ્રવર્તાવવાનો મુખ્ય માર્ગ છે ને જે લોક ઘરસંસાર સુધાર્યો ચાહતા હોય તેમણે તરત જ પોતાનો આચાર સુધારવો એમ મારા કહેવાનું તાત્પર્ય છે. તેની સાથે જ જીવનચરિત્રાદિ દ્વારા સવૃત્તિનાં શુભ ફલ અને કુબુદ્ધિનાં ખરાબ પરિણામ તાદ્રશ ઉપદેશથી સમજાવવાં એટલો ઉપદેશનો પણ અવકાશ છે. કારણ કે અનાદિકાલથી ચાલી આવતા જનસ્વભાવના વૃત્તાંતમાંથી પણ સારો આચાર કયો છે એ નિર્ણય કરવાના ઘણા પ્રસંગ મળે છે. વળી કાર્યકારણભાવનો જે સર્વત્ર નિયમ–જેને આધારે નીતિ પણ પોતાની દ્રઢતા ગૃહણ કરે છે – તેને વ્યવહારજ્ઞાનના સર્વ વિભાગનું શાસ્ત્ર (science) વગેરે કર્મજ્ઞાન પ્રતિ ઉપકારક જ્ઞાન આપવાથી દ્રઢ કરતાં પણ અન્ય રીતે (indirectly) નીતિને પુષ્ટિ મળે છે. એટલા માટે તે ઉપર પણ મુખ્ય લક્ષ રાખવું જોઈએ. ઘરસંસારનો આચાર પણ આ જ્ઞાનના અભાવે જ કેટલો અશુદ્ધ રહે છે એ સર્વને જાણીતી વાત છે. માટે તે સુધારવામાં પણ આ જ્ઞાન ઉપયોગી ને મુખ્ય રીતે ઉપયોગી છે. આટલી આટલી કર્તવ્યતા છતાં પણ જે એમ બોલીને જ બેસી રહે છે કે ઘરસંસાર સુધર્યા વિના કેળવણી સુધરનાર નથી તે લોકો પોતાના બોલવાને તોડે છે એટલું જ નહિ પણ તેમને પોતાના જ બોલવા ઉપર ભરોસો નથી એવો ખોટો દાખલો બેસાડે છે.

જ્યારે ઘરસંસાર સુધારવામાં અને નીતિનો શુદ્ધ માર્ગ બતાવવામાં વયોવૃદ્ધ પુરુષના દાખલાની જ અસર પ્રધાનપણે સ્વીકારી, ત્યારે એક ઘણો મોટો જરૂરનો અને બારીક સંશય ઉત્પન્ન થાય છે. બાળકનામાં એકદમ સારાસારનિર્ણય કરવાની બુદ્ધિ હોતી નથી એ તો સર્વને સંમત વાત છે. તેવાં બાલક નીતિના વિષયમાં પોતાના વડીલનાં કાર્ય દેખીને જ જો પ્રવૃત્તિ કરે તો ઘણીવાર ભૂલમાં પડી જશે. ઘણી વાત એવી હશે કે જો સો વર્ષના ડોસાને અનુકૂલ હોય, પણ તેના વીસ વર્ષના જુવાન પુત્રને કદાપિ પ્રતિકૂલ નહિ, તો ફાયદો કરવાવાળી તો ન જ હોય. આવા પ્રસંગોમાં બાલકની બુદ્ધિ એ જ