પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 


નારી પ્રતિષ્ઠા

વિધાતાની સૃષ્ટિમાં પ્રત્યેક વસ્તુ સજોડ દીઠામાં આવે છે. ઉદ્‌ભિજવર્ગ, પશુવર્ગ, મનુષ્યવર્ગ એ સર્વેમાં સ્ત્રી અને પુરુષ એવી જોડી જણાય છે. આવી જાતની વિજાતીય સૃષ્ટિ રચવાનો મુખ્ય હેતુ મંડલની વૃદ્ધિ સિવાય બીજો જણાતો નથી. સ્ત્રી એ પોષકશક્તિનું સ્વરૂપ છે, પુરુષ ઉત્પાદકશક્તિનું સ્વરૂપ છે. બન્નેના યોગ વિના સૃષ્ટિકાર્ય સંભવતું નથી. વળી ઈશ્વર પોતે પણ એ શક્તિ વિના જગત રચી શકતો નથી એમ પુરાણ કહે છે. શાસ્ત્રમાં પ્રકૃતિ અને પુરુષ, માયા ને પરમાત્મા, વગેરે આ બે શક્તિનાં. તેઓ પરમાર્થદ્રષ્ટિથી એક છતાં પણ, ઘણાં ઘણાં ભિન્ન રૂપ માનેલાં છે. આ બે શક્તિઓ એક એકને પોતાનું કાર્ય કરવાને એટલી બધી અગત્યની છે કે એક વિના બીજી કેવલ નિરુપયોગી થઈ પડે તેમ છે. આ બન્ને શક્તિઓ આમ એક એકને આધારે રહે છે, એક એકનું અર્ધું અંગ બને છે. એ બેમાંની એકે શક્તિ સંપૂર્ણ નથી પણ બીજી વિના અર્ધી જ છે. જ્યારે પોષકશક્તિ ને ઉત્પાદકશક્તિ ભેગાં થાય ત્યારે જ એક આખી શક્તિ–આનંદ–ઉત્પન્ન થવાની. આ ઉપરથી સહજ સમજાશે કે સ્ત્રી અને પુરુષ અન્યોન્યનાં અર્ધા અંગ છે અને સ્ત્રી ખરેખરી અર્ધાંગના જ છે. આ ઠેકાણે સવાલ ઊઠે છે કે આપણા શાસ્ત્રમાં સ્ત્રીને ડાબું અંગ કેમ ગણી હશે? આ સવાલનો ખુલાસો આ ઠેકાણે કરવો બહુ જ અગત્યનો છે. વિલાયતમાં ને બીજા કેટલાએક પાશ્ચાત્ય દેશોમાં સ્ત્રીને માત્ર અર્ધાંગ જ ગણી છે, પછી ડાબું કે જમણું. વધારે સ્પષ્ટ રીતે કહીએ તો સ્ત્રી અને પુરુષના સર્વ હક સમાન ગણેલા છે. આ બે વિચારમાં કાંઈ ફરક છે કે નહિ તે વિચારીએ. પ્રથમ આપણા શાસ્ત્ર વિષે : નબળી, નરમ અને ઝપાટા ન ખમી શકે એવી શક્તિને આપણામાં ડાબી (વામ) એવી સંજ્ઞાથી જાણેલી છે. એથી ઊલટી સબલ કઠોર, અને સર્વ વ્યવહારમાં તત્પર શક્તિને જમણી એવી સંજ્ઞાથી જાણેલી છે. આ પ્રમાણે સ્ત્રીને "વામા" કહેવામાં માત્ર તેનો સ્વભાવ અને ધર્મ, જે આગળ કહ્યું તેમ પોષકરૂપ છે તે બતાવવાની મતલબ રહેલી જણાય છે. આ અર્થસંકલના ઉપરથી જ "વામ" એટલે સુંદર–મૃદુ–એ તાત્પર્ય ગ્રહણ થઈ શકે છે. મૃદુતા, લાલિત્ય, સૌંદર્ય અને નિર્બળતા, નિરાધારતા, એ ઉભયનો આ સ્થળે નિકટ સંબંધ છે. ઉત્પાદકશક્તિરૂ૫ પુરુષ જે અત્યંત મહેનત અને બલથી જ પોતાનું કાર્ય કર્યાં જાય છે, તેનાથી પોષકશક્તિસ્વરૂપ સ્ત્રી જે માત્ર પ્રેમથી, સંભાળથી