પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
૨૧
 

છે એટલે અત્રે વિશેષ વિવેચન કરતા નથી. પ્રવૃત્તિમાત્રનો હેતુ સુખ ઠરે છે. સુખ તે માત્ર દુઃખનો અભાવ એ જ નહિ, પણ નિરંતર સ્વપૂર્ણ આનંદપરંપરા. તો આવું સુખ તે કીયું ? આપણા દુઃખનું કારણ મન છે એ સિદ્ધ વાત છે. દુઃખ અને સુખ માનવામાં છે. મનનો ત્યાગ કરવો અથવા અહંતા–હું પણું તજી દેવું એ જ આનંદ છે. બીજી રીતે, આખા વિશ્વ સાથે પોતાના “હું"પણાની એકતા કરવાથી, એવો કોઈ વિષય રહી શકે નહિ કે જે દુઃખનું કારણ થઈ પડે, અથવા પૂજ્યપાદ શ્રીમત્ શંકરાચાર્યના શબ્દોથી કહીએ તો પરમાત્મભાવ એ જ પરમ પુરુષાર્થ છે. આ પુરુષાર્થ કેમ સિદ્ધ થાય છે ને તે સિદ્ધ કરવાના ક્રમમાં સ્ત્રીસ્વભાવની સબલ વૃત્તિ-પ્રેમ–તેની કેટલી જરૂર છે એ આગળ સ્પષ્ટ રીતે બતાવેલું છે.

આ પ્રમાણે વિચાર કરતાં ધર્મજ્ઞાન એ જ ઉત્તમ ઠરે છે; અર્થાત્ વ્યવહાર અને કર્મ એ બેની પ્રવૃત્તિ ધર્મને આધારે થવી જરૂરની છે એ સિદ્ધ થાય છે. આ રીતનું ધર્મજ્ઞાન સર્વ જ્ઞાનને ઉપકારક છતાં પણ કેવલ બુદ્ધિ – અર્થાત્ અનુમાનગ્રાહ્ય નથી; એટલે નાનાં બાલકને તે એકદમ આપવા માંડવું એમ કહેવાની મતલબ ન જ હોય ને નથી. તાત્પર્ય એટલું જ કે વ્યવહાર તથા કર્મને માટે જે નિયમો રચાય, જે જ્ઞાન અપાય, તે સર્વ આ ધર્મ ઉપર લક્ષ રાખીને થવું જોઈએ. તેમાં એવા કોઈ આચાર ન દાખલ થઈ જવા જોઈએ કે જેથી આ ધર્મને હાનિ થાય. તેમજ આ ધર્મમાં જલદી પ્રવેશ કરાવી શકે એવી પ્રેમાદિક વૃત્તિઓને પણ મુખ્ય રીતે રીતિસર વૃદ્ધ પમાડવી જોઈએ, કે સર્વ જ્ઞાનની આખરે વિદ્યાર્થી સ્વતઃ જ ધર્મજ્ઞાન પણ કાલાન્તરે પામે.

આ ઠેકાણે શંકા કે : આવું ધર્મજ્ઞાન–ને એ ફલ તે કેવલ કલ્પિત છે; સાધ્ય નથી, એટલે તેવી છાયા પાછળ દોડવાથી નિષ્ફલતા સિવાય બીજો લાભ નથી. સત્ય બોલવું, પ્રીતિ રાખવી – એ વગેરે જે વાતો આપણને પૂર્ણ પરિચિત છે તેથી સુખ મળે છે એ તો આપણે જાણીએ છીએ જ. એવો કોઈ માણસ ભાગ્યે જ થયો હશે કે જે સર્વથા સત્ય જ બોલ્યો હશે. મહાન સત્યસ્વરૂપ ધર્મરાજા પણ नरो वा कुञरो वा એમ બોલેલા એ પ્રસિદ્ધ છે. આ પ્રમાણે શુદ્ધ સત્યતા એ પણ સાધિત, એટલે સાધ્ય પણ ન હોવાથી કલ્પિત માત્ર જ ઠરી. પણ એ જ કલ્પિત વસ્તુ આપણા સુખનું કેવડું મોટું સાધન છે ? જેટલે અંશે જે માણસનામાં સત્ય તેટલે અંશે તે માણસનું સુખ; તેમજ જેટલે અંશે જે માણસની