પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
સુદર્શન ગદ્યગુચ્છ - ૨
 

પોતાને યોગ્ય વયવાળો અને જ્ઞાનવાળો પતિ મળવો એ કાંઈ સાધારણ વાત નથી. જે સ્ત્રીને હાલના રિવાજ પ્રમાણે પોતાને અનુરૂપ પતિ, કે જે પતિને સ્વાનુરૂપ પત્ની મળી હોય તેનાં ધન્ય ભાગ્ય. જ્યાં માબાપ પતિ ખોળી લાવે ત્યાં અનુરૂપતાની કે યોગ્યતાની શી વાત ? લગ્નની સરકારી કાયદાની ભાષાથી આપણા વિચાર મુજબ વ્યાખ્યા કરીએ તો તે એવી થાય કે એક અખંડ કરાર. તો કરારનું સ્વરૂપ એવું છે કે ઉભય પક્ષની અનુમતિ ન હોય તો થયેલા કરાર પણ રદ થાય છે. માબાપ એ આ બાબતમાં ઉભય પક્ષના પ્રતિનિધિ રૂપે છે એ ખરું પણ બાલકને તેની સંમતિ લીધા વિના ગમે ત્યાં ફેંકવું એ કેવલ તેને પથરા જેવું, ઢોર જેવું કે એક પ્રજોત્પાદકયંત્ર જેવું ગણવા બરાબર છે. માબાપની આજ્ઞા ને આમન્યામાં રહીને કન્યાએ પોતાને યોગ્ય પતિ મેળવવો જોઈએ. કન્યાને મુખ્ય જોવાનું એ છે કે પોતાનો તથા પતિનો સ્વભાવ અનુકૂલ અને અન્યોન્યને પુષ્ટિ આપે એવો છે કે નહિ. આ જાતની તપાસ માટે જે મોટી વયની અર્થાત્ પાકા વિચારની જરૂર પડે છે તે ઉપરથી પણ કન્યાને મોટી કરી પરણાવવાના વિચારને પુષ્ટિ મળે છે એ લક્ષમાં લેવા લાયક છે.

પતિ પસંદ કરવા વાસ્તે યુવતી કન્યાએ ઘર ઘર ભટકવું એ ભયકારક છે. એ ઉપરથી એમ સૂચવવાની જરૂર પડે છે કે માબાપ જે પુરુષને પસંદ કરે તેની યોગ્યયોગ્યતાનો વિચાર પોતાની મર્યાદામાં રહીને યુક્તિથી કરી જોવો. અથવા પોતાને યોગ્ય લાગતા પતિની સૂચના માબાપને કરવી. મરણ પર્યત જેની સાથે જોડાવાનું છે તેને પસંદ કરવામાં અનેક પ્રકારની ભૂલો આવી જાય છે. જ્ઞાનથી પક્વ થયેલું પણ અનુભવી મન કોઈ વાર ક્ષણિક આકારથી તો કોઈ વાર બાહ્યજ્ઞાનાદિકના ઢોંગથી છેતરાય છે. આટલા માટે જનપરીક્ષાના વિકટ કાર્યમાં અનુભવી માબાપની કે એવા જ કોઈ વડીલની સહાયની નિરંતર જરૂર રહે છે; માટે તે સહાય વિના કન્યાઓએ કેવલ સ્વતંત્ર વર્તવું એવી ભલામણ કરતાં બહુ વિચાર પડે છે. છતાં પણ એટલું તો સિદ્ધ જ છે કે પતિપત્ની તરીકે જોડાનાર કહી તેવી પૂર્ણ વયવાળાં બાલકોની સંમતિ સિવાય લગ્ન કેવલ અપૂર્ણ અને તેથી ગમે તેવી રીતે છૂટી જાય અથવા અવળાં નીવડે એવાં રહે છે.

પતિ પસંદ કરવામાં હજુ એક વિશેષ સૂચના કરવાની બાકી છે. કુલના મિથ્યા અભિમાનથી ઘણા જણ ફસાયા છે ને ફસશે. કુલ એટલે શું તેનો જેમ