પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
૨૭
 

કોઈને ખ્યાલ જ ન હોય એવો વ્યવહાર ચાલે છે; પરંતુ કુલની મૂલ ઉત્પત્તિનો વિચાર કરવામાં આવતો હોય એમ જણાતું નથી. જે કુટુંબમાં વિદ્યા, ધન, સુશીલતા ઇત્યાદિકનો વાસ જણાયેલો તેને સારા ઊંચા કુલમાં ગણેલાં; પણ તે જ કુલના વશપરંપરા આવેલા પુત્રપૌત્રાદિક પણ તેવા સુગુણી નીવડે એ નક્કી નથી. કુલ એ નામ માત્રનો જ વ્યવહાર છે. કુલીન માણસોનામાં અસલનું કુલીનત્વ–કુલીનતાના ગુણ–તો રહ્યું નથી. અને નઠારા રિવાજે કરીને કહેવાતા કુલીન માણસોને કન્યા મલવાનો અને પહેરામણી મલવાનો ભરોસો રહ્યો, એટલે તેમાંના ઘણા બેદરકાર અભણ ને કુછંદી જ રહે છે. આ પ્રમાણે કુલના રિવાજથી કરીને વરકન્યાનાં જોડાં સારાં નથી નીવડતાં એટલું જ નહિ, પણ કુલીન માણસની જાતને તથા તેના સંબંધીઓને કેટલી કેટલી જાતની વેદના વેઠવી પડે છે. આવી કુલીનતા માત્રની જ લાયકીને લીધે પરણેલો પતિ તે "વર” એ સંજ્ઞાને લાયક જ નથી. વર એ નામ વૃ એટલે પસંદ કરવું એ ધાતુ ઉપરથી થયું છે; અને કન્યાએ રૂપગુણવયને લીધે પોતાના પતિ તરીકે પસંદ કરેલો એવો અર્થ સૂચવે છે. પણ અસલ જે કારણસર “વર” કહેતા હશે તે કારણ તો આજ ઘસાઈ ગયું ને “વર" એવો શબ્દ માત્ર કોઈ અનિશ્ચિત અર્થમાં કાયમ રહી ગયો છે.

કુલથી કરીને એક બીજી હાનિ થાય છે તે આ “વર” શબ્દના સંબંધમાં યાદ આવે છે. કન્યાને પતિ પસંદ કરવામાં જેમ વધારે અવકાશ તેમ સારો “વર” મલવાની વધારે આશા. અર્થાત્ ૧૦ કુલીન કરતાં ૫૦૦ કુલીન માણસોમાંથી જો પતિ પસંદ કરવાનો હોય તો તે સ્વેચ્છાનુસાર, વિદ્વાન અને પૂરવયસ્ક મલવાનો વધારે સંભવ રહે એ ઉઘાડું છે. તેમજ કુલીન ઘરને મૂકીને નાતના સર્વ ઘરમાંથી જો વર પસંદ કરવામાં આવે અથવા પોતાની નાતને મૂકી કોઈ પણ નાતમાંથી પસંદ કરવામાં આવે તો વધારે સારો ને યોગ્ય “વર” મલવાની ખાત્રીપૂર્વક આશા રહે. લખવાનો ઉદ્દેશ એમ નથી કે આટલા માટે જ્ઞાતિભેદ તોડી નાંખવો, પણ જે હોય તે જ્ઞાતિમાં પણ જેમ બને તેમ સર્વ જણમાંથી “વર” પસંદ કરવો એ જ લાભકારક છે.

લગ્ન કરવામાં કેવા વિચાર લક્ષમાં રાખવા જોઈએ એ બાબત ઉપયોગદષ્ટિથી બની શકે તેટલો વિચાર કરી ગયા; પણ લગ્નના ઉદ્દેશ ને મતલબ વિષે સ્પષ્ટ વિવેચન કરવાની જરૂર છે. સ્ત્રીપુરુષોને પરણવાની શા