પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
સુદર્શન ગદ્યગુચ્છ - ૨
 

માણસમાં છે તે જ ઇતર પ્રાણીમાં પણ છે. એટલે કે આ વૃત્તિઓને જ પ્રધાન રાખી માણસ જેટલા વ્યવહાર કરે તેટલા તેની પશુવૃત્તિના વ્યવહાર એમ કહી શકાય. અને તે તે વૃત્તિને કબજે રાખી જે આનંદકારક અને સર્વને તથા પોતાને સંતોષજનક વ્યવહાર થાય છે તે તેની પ્રેમબુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલો હોવાને લીધે ઈશ્વરી વ્યાપાર પણ કહી શકાય. જો પશુવૃત્તિ એ જ લગ્નનું નિયામક હોત તો પુનર્લગ્નનો પ્રસંગ તરત જ પ્રાપ્ત થાત. આપણે જે નિર્ણય કર્યો તે પ્રમાણે તો આવો પ્રસંગ સંભવતો નથી. આમ જોતાં જે કારણોને માટે પુનર્લગ્ન કરવાની જરૂર બતાવી તે કારણોથી માણસની પશુવૃત્તિ માત્રને ઉત્તેજન મળે છે : એટલે જે વૃત્તિને ખરું જોતાં તાબે રાખી પરમસુખ શોધવામાં રહેવું જોઈએ તે જ વૃત્તિને ઉત્તેજન આપી ધર્મભ્રષ્ટ યાને સન્માર્ગથી વિરુદ્ધ જવાના ઉપદેશ બરાબર એ કહેવું છે. કોઈ એમ કહેશે કે આવા પ્રેમના વિચાર કરવાથી શું ક્ષુધા નહિ લાગે, કે વિષયવાંછના નહિ થાય જે તેને માટે પ્રથમથી બંદોબસ્ત ન કરવો ? આ બધાનો જવાબ અમે જે આગળ કહેલું છે તેનો વિચાર કરવાથી આવી જશે. પ્રથમ તો સર્વ રીતે યોગ્ય – અર્થાત્ પોષણ કરવાને પણ યોગ્ય – એવા જ પુરુષને સ્ત્રીએ પતિ કરવો એમ મરણજન્ય વિયોગનો પ્રસંગ જ વિરલ છે, ને કદાપિ અદૃષ્ટબલે આવી પડે તોપણ તેવામાં પુનર્લગ્નની વાંછના થાય એ ઘટતું જ નથી. પ્રેમની શક્તિ એટલી અગાધ છે કે તેને જ બલે માણસ જીવી શકે છે, ને વિયોગમાં પણ તેને જ આધીન રહી માણસ બીજી વસ્તુ ઉપર લક્ષ સરખું આપતો નથી એ જ પ્રેમના બલથી શુદ્ધ આચારવાળી રજપૂતાણીઓ ચિતા ઉપર બળી મરી છે, એથી જ સ્ત્રીપુરુષોના પ્રાણ સ્વતઃ ઊડી ગયા છે. એ પ્રેમને જ પુષ્ટ કરવામાં જ્યારે કેવલ્યસુખ આગળ બતાવ્યા મુજબ રહ્યું છે ત્યારે તે પ્રેમના પ્રવાહમાં ઠામઠામથી કચરો નંખાવવાનો ઉપદેશ કરવો એ કેટલું હાનિકારક ને તેથી જ અધર્મયુક્ત કે પાપયુક્ત છે એ વિચારી લેવું.

માણસનું મન એ એક અકલ અને અગાધ યંત્ર છે, એમાંથી કલ્પનામાં પણ ન ઊતરી શકે તેવી ઉત્પત્તિઓ થાય છે : એ જ ગહન માર્ગોમાં પ્રવેશ કરે છે, ને અગમ્ય વાણી ભાખે છે. સ્ત્રીઓને વિષયસુખની લાલસા વધારે થાય કે ઓછી થાય એ યદ્યપિ દેશની હવા વગેરે અને શરીરના બંધારણ ઉપર આધાર રાખે છે, તોપણ તેમાં મુખ્ય વાત મન છે. મનને જેમ લઈ જાય તેમ જાય. જો એક જ પતિનો અને તેના ઉપર લીનતાનો સંસ્કાર દૃઢ થઈ ગયો