પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારીપ્રતિષ્ઠા ૩૫

સાધન ગણવાથી સુખ પ્રાપ્ત થઈ શકે છે એમ જે બોલવું થાય છે તે વ્યવહાર તથા નીતિના સિદ્ધાન્તોના અત્યંત અજ્ઞાન સિવાય બીજા કીયા કારણથી થતું હશે તે સમજી શકાતું નથી....... માણસનાં સ્વાભાવિક અસ્થિરતા અને તરંગોને નિયમમાં રાખવા માટે મંડલીએ વચ્ચે પડવાની જરૂર છે; નહિ તો સુખને માટે એક પછી એક વ્યર્થ અને દુઃખકારક પ્રયત્ન કરતે કરતે માણસનું જીવતર છેક નિષ્ફલ અને ઘણી નીચી પદ્ધતિનું થઈ પડે." અર્થાત્ પુનર્લગ્ન ન કરવું એવો જ નિયમ સર્વથા રાખવો જોઈએ, નહિ તો લગ્નના હેતુ અન્યથા સમજાવાથી, અને અનીતિને માટે દ્વાર ઊઘડવાથી, માણસને કોઈ વાર પરિપૂર્ણ કે ખરું સુખ પ્રાપ્ત થનાર નથી. જ્યાં પુનર્લગ્ન પ્રસિદ્ધ વ્યવહારમાં આવેલું છે ત્યાં લગ્નનો હેતુ ભાગ્યે જ યથાર્થ સમજાતો હશે, અથવા નીતિના માર્ગને જોઈએ તેવી રીતે ક્વચિત જ વળગી રહેવામાં આવતું હશે.

પુનર્લગ્ન એ માણસના સ્વભાવને કેટલું અણગમતું છે એનો ખ્યાલ જે દેશોમાં પુનર્લગ્નનો રિવાજ ચાલુ છે ત્યાં પણ તેમ ન કરવામાં પ્રતિષ્ઠા મનાય છે એ જાણવા પરથી આપણે કરી શકીશું. જેઓ કહે છે કે પુનર્લગ્ન ન થવાથી વિધવાઓ કુમાર્ગે જાય છે તેઓને આ વાત પણ વિચારવાલાયક છે કે પુનર્લગ્ન થવા દેવાથી પણ માણસ જાતના સ્વભાવની, એક લગ્ન કરવું એ જ શ્રેષ્ઠ છે એમ માનવાની વૃત્તિને, અને તે વૃત્તિ યથાર્થ રીતે ન હોય તો પણ પ્રતિષ્ઠાની ખાતર જ તેવો આચાર રાખી અંદરથી ગમે તેવો આચાર થવાના સંભવને, અટકાવી શકનાર નથી. વિધવાઓને છૂપો અનાચાર કરતી અટકાવવા માટે પ્રસિદ્ધ અનાચારનો માર્ગ બાંધી આપવા કરતાં અનાચાર કરવાની મરજી ન થાય તેવો ઉપદેશ ને તેવો વ્યવહાર રાખવો એ વધારે ડહાપણભરેલું છે. માણસના સ્વભાવમાંની ખરી વૃત્તિ તો પુનર્લગ્નની વિરુદ્ધ જ માલમ પડે છે પણ ઉપદેશ અને સંગતિના બલથી તે કોઈ કોઈ વાર બદલાઈ જાય છે : ને "સુધારો" કરવા ચાહનારાઓને અવળે માર્ગે દોરે છે. માણસના સ્વભાવની શુદ્ધ અને મૂલ વૃત્તિને જ દઢ કરવાનો માર્ગ શોધવો એ વધારે કલ્યાણકારી અને સુખસાધ્ય છે.

આ રીતે તપાસ કરતાં નીતિથી, ધર્મથી, માણસના સ્વભાવથી પુનર્લગ્ન વિરુદ્ધ છે એ આપણે સ્પષ્ટ રીતે જોઈએ છીએ; તેમજ એ પણ સિદ્ધ થઈ આવે છે કે જે સુખને અર્થે પુનર્લગ્ન કરવાનો આગ્રહ કરવામાં આવે છે તે સુખ