પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુદર્શન ગદ્યગુચ્છ - ૨
 

ઈશ્વરી સ્વભાવ ઉપર નથી ગયો એમ જાણવું. એ વિનાના જેટલા વિકાર એનામાં જણાય છે તે એની પશુવૃત્તિમાંથી પેદા થયા છે એમ સમજતાં કાંઈ બાધ નથી. જેમ જેનામાં આ પ્રકારની વિશેષ પ્રેમવૃત્તિ તેમ તેનામાં અધિક ઐશ્વર્ય, તેમ તેનામાં ખરો, પુરુષાર્થ, તેમ તેનામાં વિશેષ ધર્મ અને સુખ. ટૂંકમાં કહેવાની મતલબ એવી છે કે મનુષ્યનું કર્તવ્ય પ્રત્યેક જાતની પ્રવૃદ્ધિ (progress) કરવી એવું છું; અને દિનપ્રતિદિન પ્રેમવૃત્તિને પ્રબલ કરી નીતિમાં સંપૂર્ણ થવાનું, તથા સ્વાર્થબુદ્ધિને પરમાર્થબુદ્ધિના તાબામાં લેઈ, અબાધ સર્વાધાર પરમતત્ત્વમાં નિશ્ચલ થઈ મોક્ષ પામવાનું છે.

જ્યારે મનુષ્યનો ધર્મ પ્રેમવૃત્તિના બળે કરીને સ્વાર્થબુદ્ધિને પરમાર્થબુદ્ધિના તાબામાં લેવાનો જ છે, ત્યારે આપણે તપાસવું જરૂરનું છે કે આ પ્રેમવૃત્તિ શી રીતે પ્રબળ થાય, ક્યાંથી પુષ્ટિ પામે ? આ સવાલનો નિર્ણય કરવા માટે સ્ત્રી અને પુરુષના માનસિક તફાવતની સૂક્ષ્મ દ્રષ્ટિએ શોધ કરવી જોઈએ. ‘સ્ત્રીનું રસેંદ્રિય (લાગણી Feeling) બહુ પ્રબળ છે. સ્ત્રીના કરતાં પુરુષ જેટલો શરીરબલમાં ચઢિયાતો છે તેટલી જ સ્ત્રી પુરુષના કરતાં પ્રેમવૃત્તિમાં ચઢિયાતી છે. આવી જાતિનું માનસિક બલ જ્યારે એનો સમાગમ–સંબંધ થાય ત્યારે અસર કરી શકે. પુરુષ અને પુરુષની મૈત્રી થાય, સ્ત્રી અને સ્ત્રીની મૈત્રી થાય તે કરતાં સ્ત્રી અને પુરુષની મૈત્રી વિશેષ જરૂરની અને વધારે દ્રઢ નીવડી શકે. શારીરબલપ્રધાન પુરુષને માનસિકબલપ્રધાન સ્ત્રી વિના, તેમજ માનસિકબલપ્રધાન સ્ત્રીને શારીરબલપ્રધાન પુરુષ વિના ક્ષણ પણ ચાલે તેમ નથી. બન્નેના સ્વભાવને પરિપૂર્ણ કરવા માટે એ બન્નેનો સંબંધ અવશ્યનો છે. સ્ત્રી અને પુરુષનાં બંધારણ શારીરિકમાનસિક જુદી જુદી જાતિનાં હોવાથી તથા તેમને કરવાનાં કાર્ય પણ ભિન્ન હોવાથી તેમની વચ્ચે કોઈ જાતની સ્પર્ધા ઉત્પન્ન થવાનો સંભવ આવતો નથી. જો બન્નેને એક જ કાર્ય કરવાનું હોય, અથવા બન્નેની દ્રષ્ટિ એક જ ઉત્કર્ષ ઉપર લાગુ થયેલી હોય તો તેમની વચ્ચે સ્પર્ધા થવાનો વધારે સંભવ અને તેથી મૈત્રીની વધારે શિથિલતા; વાસ્તે સ્ત્રી અને પુરુષ જેવાં સ્વભાવમાં ને તેથી કરીને વ્યવહારમાં કેવલ જુદાં પડતાં મનુષ્યનો સંબંધ અખંડ આનંદ પેદા કરે તેવો છે ને તેને ખંડિત થવાનો ભય અભાગ્યે જ આવી પડે છે. આવો સંબંધ જો અન્યોન્યની સંમતિથી ને ઇચ્છાથી થતો હોય તો પછી બાકી જ રહે નહિ.