પૃષ્ઠ:Nari Pratishtha.pdf/૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નારી પ્રતિષ્ઠા
 

પ્રત્યેક મનુષ્ય જન્મે ત્યારથી કોઈ કોઈ મનુષ્યના સંબંધમાં તો આવ્યાં જ જાય છે. આવી તરેહના સંબંધથી ધીમે ધીમે પોતાની સ્વાર્થબુદ્ધિ છૂટતી જાય છે. પોતા ઉપર જ લાગી રહેલા વિચાર અળગા થઈ પારકા ઉપર વળવા માંડે છે. પુત્ર તરીકે માન, આજ્ઞાકારિત્વ વગેરે શીખતાં એથી ઊલટી સ્વાર્થબુદ્ધિ તજવા માંડે છે. ભાઈ ભાંડુ મિત્ર વગેરેના સંબંધથી હૃદયકોશનું ઉદ્‌ઘાટન થવા માંડે છે. પછીથી પરણવાનો સમય આવે છે. “આપણા ધર્મની કેળવણીનું મહત્ ફલ જે સમાન પ્રેમ તે પામવાનું આ પહેલું પગલું છે. જે માણસ પોતાના ઊંડામાં ઊંડા મર્મના મિત્ર તરીકે પસંદ કરેલી સ્ત્રી ઉપર જ પ્રીતિ રાખી શકતો નથી તે માણસ જ્યારે આટલા બધા અજાણ્યા જગત ઉપર સમાન પ્રીતિ રાખવાની વાત કરે ત્યારે માની પણ શકાય નહિ. માણસના હૃદયની સ્વાભાવિક સ્વાર્થબુદ્ધિ ઘસાઈ જવા માટે એક જ વસ્તુ ઉપર સજ્જડ જોડાઈ રહેલા અખંડ પ્રેમની મદદની જરૂર છે. ઉદાર અને ઊંડા પ્રેમનો જાતે અનુભવ કરતાં કરતાં આપણે પ્રેમવૃત્તિને એટલી સબળ કરી શકીએ છીએ કે પ્રાણીમાત્ર તરફ તે સમાન અને સુદ્રઢ રહે છે.” આવી રીતનો પ્રેમ એક વાર ઉત્પન્ન થયા પછી તેનો આનંદ એટલો મધુર અને હૃદયવેધક લાગે છે કે તે આનંદની અવર્ણ ખૂબીથી જ તે પ્રેમ નિરંતર જાગૃત રહ્યાં જાય છે. આવી પરિપૂર્ણ મૈત્રીને માટે જાતિનો ભેદ (સ્ત્રીપુરુષ) જરૂરનો છે. જેટલો વિશ્વાસ આવા સંબંધથી અન્યોન્ય ઉપર ઊપજે છે તેટલો વિશ્વાસ બીજા કોઈ સંબંધથી ઊપજતો નથી. માણસ જે અવિચ્છિન્ન અચલ સુખ આ જગતમાં ભોગવી શકે તે આ સંબંધમાંથી જ ઊપજે છે, કારણ કે પારકાના આનંદ માટે પોતે જીવવું એથી ઊંચું બીજાં સુખ હોઈ જ શકે નહિ. આપણા શાસ્ત્રમાં પ્રત્યેક ગૃહસ્થને ચાર આશ્રમ પાળવાના કહેલા છે. તેમાંનો બીજો ગૃહસ્થાશ્રમ છે. ગૃહસ્થ થયા વિના ત્રીજો વાનપ્રસ્થાશ્રમ ને ચોથો સંન્યસ્ત તે ગ્રહણ થતા નથી. આમાં પણ ઉપર જણાવેલી જ મતલબ હોવી જોઈએ, ગૃહસ્થાશ્રમમાં રહી સ્ત્રીના સમાગમ વડે પ્રેમવૃત્તિને સબલ કરી, आत्मवत् सर्वभूतेषु પોતા સમાન ભૂતમાત્રને ગણાવનાર વાનપ્રસ્થ સંન્યસ્તાદિ આશ્રમ તેમાં પ્રવેશ કરવો. આ પ્રમાણે સ્ત્રીને પ્રેમનો ઝરો માનેલી છે. તે જ પુરુષને કેળવી અને તેના શારીરબલનો તથા માનસિક બુદ્ધિનો પરમાર્થે ઉપયોગ કરતાં શીખવે છે. સ્ત્રીવર્ગની પત્ની તરીકે કેટલી મહત્તા છે તે આવા કોઈક વિચારથી સમજાય છે.