પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના


રાસ એટલે કાવ્યલડુ ન્હાનકડું, મઘમઘતું સૌન્દર્ય સુગન્ધાળુ શતદળ કમળ સમુ કોક મ્હોટુ હોય; ઘણા ખરા પારીજાતક સમા મધુર સુકુમાર દેવસુગન્ધાળા હોય. પારીજાતકનો ફૂલછોડ દેવર્ષિ નારદ પૃથ્વીમા લાવ્યા હતા; રાસનો રસછોડ શ્રી કૃષ્ણચન્દ્રે લાવી ગુર્જરભૂમિમાં રોપ્યો છે. રાસ એ શ્રી કૃષ્ણદીધો ગુર્જરવારસો છે.

મ્હારા રાસનો પ્રથમ ભાગ ઈ. સ. ૧૯૧૦ મા છપાયો હતો. ગરબાને માટે રાસ શબ્દ આપણે ત્ય્હાં ત્ય્હારથી નવશિક્ષિતોમાં પ્રચલિત થયો. અને બીજો ભાગ ૧૯ર૮મા છપાયો હતો. એ પછી આજ નવેક વર્ષે આ ત્રીજો ભાગ છપાય છે. ૧૯૧૦ થી ૧૯૩૭ - એ ૨૭ વર્ષોમાં લગભગ પચ્ચાશેક ઉપર રાસસંગ્રહો, સ્વરચેલા ને પરરચેલા રાસોના, ગુજરાતે છપાયા હશે. કોક જ કવિતાગાનાર આજ તો હશે, જે રાસ નહિ લખતા હોય. આપણી એ ખીલી નીકળેલી રાસપ્રવૃત્તિનો અર્થમર્મ શો ?

પૂર પેરે છલકાતી ગુજરાતની રાસપ્રવૃત્તિનો અર્થમર્મ હું એ સ્હમજુ છું કે ગુર્જર સુન્દરીના હૈયાવાસી અબોલ ભાવ બોલતા, બલકે ગુજરાતભરમાં ગાજતા કરવાના સહુ નવકવિઓને કોડ છે.