પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩


૪, વસન્તનાં સોણલાં





૧, સોણલાં આવે આયુષ્યની વસન્તનાં;
આજ મ્હારે આયુષ્યદેવનાં પર્વ, રાજ !
સોણલાં આવે અયુષ્યની વસન્તનાં.

આજ મ્હારે આંગણે ઢોળાય તેજ દેવનાં;
તેજ કેરાં કિરણે કિરણે જયગર્વ, રાજ !
સોણલાં આવે આયુષ્યની, વસન્તનાં.

ર, આજ મ્હારે કરમાણી કુંપળો, પાંગરે;
આજ મ્હારે સૂકાં લીલમલીલાં થાય, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.

આજ મ્હારાં સ્વપ્નનાં ઉતરે સંસારમાં;
આજ જગે નવલા પરિમળો વાય, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.

૩, આજ મ્હારે આંબે આંબે મ્હોર મ્હોરિયા;
આજ મ્હારે ઉરમાં બોલે છે સિતાર, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.

આજ મ્હારે આશાની વેલડ ફોરતી;
આજ મ્હારે ઉડવાં અનન્ત મોઝાર, રાજ !
સોણલાં આવે આયુષ્યની વસન્તનાં.