પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯


૨૯, ઝાંઝરી ઝમકે છે




ઝીણી ઝીણી, મીઠી ને મધુર રે ઝાંઝરી ઝમકે છે,
કોક સંસારપારના સૂર રે ઝાંઝરી ઝમકે છે.
મૃદુલ કિરણો કે નિર્મળ નૂર રે ઝાંઝર ઝમકે છે,
કમળકોમળીના પાવલે નુપૂર રે ઝાંઝરી ઝમકે છે.


ઉપર ફરકે સૌભાગ્યનાં નિશાન રે ઝાંઝરી ઝમકે છે,
મંહી સોહાગણ ગાય વીરગાન રે ઝાંઝરી ઝમકે છે,
રથઝાંઝર પૂરે એમાં તાન રે ઝાંઝરી ઝમકે છે,
જગતરસીલી સુરંગી ને મહાન રે ઝાંઝરી ઝમકે છે.


ઘેરો ઘેરો મહેરામણ મદ ઘાર રે ઝાંઝરી ઝમકે છે
જાણે વિશ્વનો પ્રચંડ કો પોકાર રે ઝાંઝરી ઝમકે છે.
ઘૂમે ઘૂમડી અનન્ત ને અપાર રે ઝાંઝર ઝમકે છે;
એવા ભરતી ને ઓટના ઉચ્ચાર રે ઝાંઝરી ઝમકે છે,


ગહન મૌનશબ્દ બોલતો ખગોળ રે ઝાંઝરી ઝમકે છે,
બ્રહ્મભરતીએ ગાજતો ભૂગોળ રે ઝાંઝરી ઝમકે છે.
કંઈક મંજુલ મંજુલ મહાબોલ રે ઝાંઝરી ઝમકે છે,
પેલા અગમ્ય અગોચરને મ્હોલ રે ઝાંઝરી ઝમકે છે.