આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાતલડી
લય-કુંજલડી રે સંદેશો હમારો
રાતલડી, વ્હાલા ! રોઈ રોઈ ગાળતી.
ચંદાને તારા યે રોતા મારી સાથે હો !
રાજવી વિહોણાં જીવવું યે ન ગમે,
આવોને નાથ મારી સૂની સૂની બાથ હો !
રાતલડી, વ્હાલા ! રોઈ રોઈ ગાળતી.
નયણાં ભરાય, ઊભરાય અંધકાર આજ !
હૈયાં પિંખાય; પ્રાણ કારમાં વિજોગબાણ !
કાળી કાળી રાતડી ને ખોવાયો ચાંદલો;
શાને ઊગો ન મારા જીવનના ભાણ હો !
રાતલડી, વ્હાલા ! રોઈ રોઈ ગાળતી.
એકલડાં આમ રાજ ! અમને ન મૂકીએ.
ભૂલ્યાંને પાઠવીએ શાણ સંદેશ કો’ક્ !
વાટડી નિહાળતી આ બાળી વિજોગણ
થાકી લલાટ હાથ ધારી રડે એ રાંક !
રાતલડી, વ્હાલા ! રોઈ રોઈ ગાળતી.
૧૦૬ : નિહારિકા