પૃષ્ઠ:Niharika.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


મુકાદમની મસ્તી મશ્કરી
ઝી લ ની બૈરી જાય.
મોત સમી શીત આંખ દેવાની
ક્ષણભર જો ઝબકાય.
દેવો પાછો કામે ભાગે;
મજૂરોને ખોટું ન લાગે.

સાંજ પડે એ સડકે ફરશે
સાહેબ શેઠ અમીર.
દેવા, સમાલ ! રખે કોઈ રસિયાને
હેલો લાગે લગીર !
જશે તારી આજની રોજી !
મજૂરે થવાય ન મોજી.

તારી સમારેલી સડકે ફરશે
વાહન અપરંપાર.
તારે જવું પગ ઘસતાં દેવા,
પગદંડીની યે બહાર.
તારે ક્યાં છે બંગલા રહેવા?
ઝૂંપડીએ રસ્તા કેવા ?

બાબાગાડીમાં ફૂટડા બાલક
હસતાં રમતાં જાય.
દેવા, તારાં બાલક માટે
ધૂળના ઢગ ઊભરાય.
મેલા ઘેલાં વસ્ત્ર વિનાનાં,
ઉછેર મજૂર એ નાનાં !
મજૂરોને રૂપ તે શાના?

૧૩૫ : નિહારિકા