પૃષ્ઠ:Niharika.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


તારી વાણી ઊચરી રહી કો પ્રેમની શુદ્ધ ધૂન;
તારે હસ્તે દિન નિશ ફરે એક એ પ્રેમમાળા.



અનુષ્ટુપ ]

પ્રેમને પ્રભુની વચ્ચે વિરાજી રહી એકતા.
બતાવ્યું તેં બની પ્રેમી પ્રભુતામાં પ્રવેશવા.



શિખરિણી ]

અરે તારે રોવું દુઃખની ભરી ભાળી છબી કંઈ,
વળી રોવું નૃત્યે થનગન થતાં પ્યારી સમીપે;
ઊંડા આભે રંગો નીરખી, વળી સંગીત મીઠડાં
સૂણી; તારા ભાળી, નયન ક્યમ તારાં છલકતાં ?



ઉપજાતિ ]

નિઃશ્વાસના શ્વાસ ભર્યું જીવિત,
સાધુત્વમાં પ્રેમ તણું નિમિત્ત;
સંપૂર્ણ આનંદની શોધ માંહે
અથાગ કો ત્યાગ ભરેલ ચિત્ત.



શાર્દૂલવિક્રીડિત ]

આછી ખીલી કલા-કલાપ અધૂરો વિસ્તારને પામતો–
કેકા સ્થિર બની સૂરાવલી તણા પ્રસ્તારને પામતી–
આંબા ટોચ પરે ઊડી ઝૂકી – ઝૂલી માપે નભોમંડલ–
ક્યાંથી વાણી વિલાઈ ? -રંગ ફટક્યો ? –સંકેત પામી કલા !



૧૩૮ : નિહારિકા