પૃષ્ઠ:Niharika.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


તેજકિરણ ઝીલતાં વહેચંતાં
રાત્રિ દિવસ રચાય.

તેજ તિમિર ઝીલતી પૃથ્વીમાં પંચતત્ત્વના ખેલ,
જડમાં પણ સંતાતા સુપ્ત જીવનની પ્રગટી વેલ.

પશુ પન્નગ જળચર ખગ કીટ :
સર્વમાં ઊઘડે જીવનમીટ.
અતિ અકળ સૃષ્ટિસંયોગ;
જીવનના અદ્‌ભુત ભવ્ય પ્રયોગ !
 
દેહ દેહ યોનિ યોનિ ગૂંથી
જન્મમરણની જાળ;
સર્ગવિસર્ગની વચ્ચે ઊતરે
જીવન કેરા ફાલ.

સૃજનને બાંધી સજીવન દોર
અહંના ઊછળતા અંકોર.
દેહમર્યાદિત જીવનવિકાસ–
સજીવ સૃષ્ટિના વિવિધ વિલાસ !

અહં ઊર્મિની ટોચે ઝળક્યો
નાનકડો મનુવંશ;
નિહારિકા ને નિહારિકાના
સર્જક કેરા અંશ
અહો, ઊતર્યા એ માનવ દેહ !
સૃષ્ટિના અર્ક તણો શું મેહ ?

જ્યાં માનવ બુદ્ધિ અટકે,
કવિકલ્પના ખટકે,

૪ ; નિહારિકા