પૃષ્ઠ:Niharika.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ત્યાં વિરાટ ચેતન જાગી ઊઠ્યું
ફેલાવી સ્થળના પાટ.
એ સ્થળ પર રચિયા ગોળ ઘુમ્મટો
કોરી કાળની છાટ.
ધરીને બુદ્ધિ તણી એ આંખ,
ચઢીને મહાકલ્પના-પાંખ,

વિરાટ લેવા બાથ મહીં
માપે એ સ્થળની વાટ,
ધીટપણે ડગ ધરી માનવી
ચઢે કાલના ઘાટ.

ત્યાં ઝણઝણી ઊઠ્યો એક તાર,
ભરે સંવાદ સકળ સંસાર.
પરોવે એકસૂત્ર બ્રહ્માણ્ડ,
એક મહાકાવ્યે ગૂંથ્યા કાણ્ડ.

પ્રકાશના મહાપુંજ થકી માનવની ન્હાનલ આંખ-
એક તેજતારે સંધાયાં – તણખા ને વળી ખાખ!
તેજનો ભર્યો સર્વ સંભાર;
પ્રકૃતિ જળજળબંબાકાર.


તિમિર ને તેજ તણું મહાતત્ત્વ,
જન્મમૃત્યુનાં કરાલ સત્વ,
હાસ્યઅશ્રુના પ્રબલ પ્રવાહ,
મહીં ઘૂમતી માનવની નાવ.

નિહારિકા : ૫