આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગગનોના ઘુમ્મટ બાંધ્યા
૦ ભજનની ધૂન ૦
ગગનોના ઘુમ્મટ બાંધ્યા, પાથરણે પૃથ્વી માંડી,
શૂન્ય શિખરનાં સિંહાસને હો જી–
ઝળહળતી જ્યોતે બેઠા ! ટૂંકી છે નજરે મારી;
તલસું હું જોવા ઉજાસને હો જી—ગગનોના.
સાયરનાં નીર રાજા ! ચરણ પખાળે તારાં;
મેઘના અભિષેક માથે વરસે હો જી;
ખોબામાં પાણી ધરી પામર હું ઉભો રાજા !
ચરણે એ પાણી કેમ સ્પર્શે હો જી ? —ગગનોના.
સૂરજ ને ચાંદા કેરા દીવા અખંડ જ્યોત,
નવલખ તારાની દીપમાળ રે હો જી,
ઘરના તે ગોખે હું તો દીવા પ્રગટાવી બેઠો,
આરતીનાં આળપંપાળ રે હો જી ! —ગગનોના.
વનનાં વન ખીલ્યાં કૂલ્યાં ચંદન મળિયાગરાં હો,
વિશ્વંભર અભરે ભરિયા હો જી.
તુલસીને પાને હું તો રીઝવવા રાંક બેઠો !
રેલાવો રાજા રહેમ દરિયા હો જી—ગગનોના.
કણકણને કાંકરે ને પળપળને ચોકઠે
બાંધી મહેલાતો, નાથ ! ન્યારી હો જી !
૧૫૨ : નિહારિકા