પૃષ્ઠ:Niharika.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છેરચ્યાં રાષ્ટ્રો મોટાં મૃદુ મૃદુ પ્રજાઓ ગળી જઈ;
પશુસામર્થ્યોની જગતભર પૂજા થઈ રહી !

બુદ્ધિની કો ચપલ રમતે હાસ્ય મીઠાં હસીને,
ધીમે ધીમે જગતભરમાં ફેલી સામ્રાજ્ય લીધાં,
સ્વાર્થે વીટ્યાં સ્ફુરણ નિજનાં પુણ્ય માનીમનાવી
ઉપાડે છે જગ સકલનો ભાર ગૌરાંગ રાષ્ટ્રો !

સિંહ ને વ્યાઘથી ના ના પેઢી દૂર નથી ખસી !
આકૃતિભેદમાં ઢાંક્યાં હૈચે જે વરુ ઊછળે !

૨. જર્મન યુદ્ધ

પશ્ચિમમાં ગર્જન ઘોર આ શું ?
શું મેઘ માથે પ્રલયો ઝઝૂમે ?
જ્વાલામુખી જાગી ગળે સમષ્ટિ ?
વિદ્યુતશ્રેણી જગને શું બાળે ?

નહીં નહીં એ જડ ક્રૂર ખેલો !
સૃષ્ટિ તણી અંધ ગતિ ન ! એ તો
પરોપકારી સહુ રાષ્ટ્ર ગોરાં
પરોપકારાર્થ જરા રમે છે !

ને એ રૂડી રમતમાં કંઈ તખ્ત તૂટ્યાં !
માટી મહીં ભળી ગયા મણિજ્યોત તાજ !
તારાગણો ઝબકીને ખરતા તિમિરે,
શૂન્યે ડૂબ્યા ઝળકતા નૃપવંશ એમ.

બુદ્ધિવકાસ પણ રાક્ષસી રાહ ચાલે,
સંહારસાધન થકી બની સજ્જ મ્હાલે.

૧૫૬ : નિહારિકા