પૃષ્ઠ:Niharika.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ચંદ્ર સૂર્ય નક્ષત્ર રાશિ ને
નિહારિકાને તીર,
માનવ નાવ જતું લ્હેરાતું
કાપી કાલનાં નીર.
 
અસીમ સ્થલપાટે કોણ રમંત?
કાલની કલગી કોણ ધરંત ?
અવિક્રીય સત્ય અનંત અગાધ
ગુહાશય નિષ્કલ કોણ અબાધ ?
 
બુદ્ધિ કલ્પના અટકી પીગળી
ભાવ મહીં રેલાય;
એ ભાવ મહીં બ્રહ્માણ્ડઐક્યનાં
શુભ સંગીત સુણાય.
 
જીવન મૃત્યુ પ્રકાશ તિમિર એ શમતાં જ્યોતિર્બિંબ !
માનવતા પૂછે જગ શું એ બિંબ તણું પ્રતિબિંબ ?

અહો એ નિહારિકાના રાસ !
અહો એ તેજતિમિરનાં હાસ!
ઝીલતો માનવીનો સમુદાય,
સર્જન મહાઐક્ય ઊભરાય !

૬ : નિહારિકા