પૃષ્ઠ:Niharika.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રુધિર બોળી કલમે લખાયુ
પાનું ઇતિહાસ મહીં વધ્યું હવે !
સેનાપતિ ડાયર કેરું નામ
બન્યું ચિરંજીવી – ન હિંદ ભૂલશે !

પ્રજા તણું જીવન માં જડાયો
નવીન કો ભાવ બની સુસ્પષ્ટ;
ભુલાય શું એહ મહાન ભાવ
ઝગી રહ્યો ડાયરશાહી માંહે ?

હિંદની સર્વ ભાષામાં શબ્દ સમૃદ્ધિ જે વધી !
શબ્દકોશે સ્વીકારાય ડાયરી શબ્દ સર્વથા !

૭ પ્રશ્નના પડધા

શસ્ત્રના ઘાવની સાથે હિંદ હૈયા મહીં ખૂંપ્યું
તીણું લોખંડ!–હૈયાના ઘાવ કેરી નથી દવા!

નમાવ્યા દેહોને ચમચમ થતી ચાબુક વડે
કરાવ્યાં સાષ્ટાંગે નમન ભય પીડા કરી કરી,
સલામો ગૌરાન્ગે બલથી લીધી કાળાશ પરખી–
ઘવાયા આત્માના વ્રણ ઉપર છાંટી લવણને !

ભલે નમે દેહ, નમંતુ શિર્ષ,
ભલે સલામો મુજરા ભરાય,

ન જ્યાં સુધી આત્મ જિતાય પ્રેમે,
નિરર્થ એ ભાવવિહીન ચાળા !

શસ્ત્રો તણી જીત પરાજયોની
કાતિલ શ્રેણી રચતી રહે છે;

૧૬૫ : નિહારિકા