પૃષ્ઠ:Niharika.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શૂર સિપાહી

વીર રસે રસબસ સહુ બનીને, કુમ કુમ આંકી ભાલ,
સાચ તણી સમશેર હસ્તમાં, ક્ષમા તણી ધરી ઢાલ,
સૂર સિપાહી આવો !
ક્ષત્રીવટનો શુભ લ્હાવો
જગને નૂતન બતલવો,
યોજીને વ્યૂહ વિશાળ !

ધર્મ તણો ગગને તેજસ્વી ફરકાવો ધ્વજ શ્વેત,
બંધુભાવની વીરગર્જના ગરજી બનો સચેત.
મ૨વાની મર્દાઈ
દાખવો નિત્ય વીંધાઈ,
હસતાં જખમોને ચાહી
ભેટો મૃત્યુ ધરી વ્હાલ !

દયા તણા ડંકા ગડગડતા, પ્રેમલ તાતાં તીર,
પરિધાનો પરમાર્થ તણાં, ને અળગાં મૂકો શિર.
ન્યાય તણી ધરી બેલ,
જીવનમુક્તિના ખેલ
ખેલો સંયમથી સ્હેલ,
ભેદીને તિમિર કરાલ!

રણમાં ઊતર્યો વીર કદી નહિ પગ પાછો ધરનાર,
ધીર ધસ્યો એ જાય જંગમાં ચોટ નહિ ચૂકનાર.

૧૦ : નિહારિકા