પૃષ્ઠ:Niharika.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઇંધન ખૂટ્યાં હો !

યજ્ઞે ઇંધન ખૂટ્યાં હો !
વેદી ખાલી પડતી;
ધૃતની ધારા તૂટી હો ! સાધુ
રક્ષા જોજો ઊડતી.

યજ્ઞ તણો સંકલ્પ કરી પ્રગટાવ્યો હુતાશન,
રાખો એને બળબળતો પહોંચાડો ધૂમ્ર ગગન.
યજ્ઞે ઇંધન ખૂટ્યાં હો !

મન્ત્રોચ્ચારે મંદ બન્યા ઋત્વિજ બ્રાહ્મણ ને હોતા;
યજ્ઞ અટકશે અગ્નિ ઘટ્યે ! ફળ હાથ ચઢ્યું ક્યમ ખોતા ?

યજ્ઞે ઇંધન ખૂટ્યાં હો !
શુભ સંકલ્પો છૂટ્યા હો !
બ્રહ્મવર્ચસે લૂંટ્યા, સાધુ !
વ્રતનો ભંગ ન કરીએ.

વનવગડે શોધાવો શાને સમિધ કેરા ભારા ?
હાડચામ ઇંધન ધનભરિયા હોમો દેહ તમારા.
યજ્ઞે ઇંધન ખૂટ્યાં હો !

ધૃત હુતદ્રવ્ય વિનાની મૂંઝવણ સાટુ, શેં સંતાપે ?
રુધિરભર્યો આ દેહઝરો અક્ષય આહુતિ આપે.

યજ્ઞે ઇંધન ખૂટ્યાં હો !
શીલઝરા શું ખૂટ્યા હો ?
સાધુ, વ્રતસિદ્ધિને વરીએ.

૧૬ : નિહારિકા