પૃષ્ઠ:Niharika.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ધૂમકેતુ


એ કોણ નમન સંભારે ?
એ કોણ ઝુકાવે શિર ?
એ નેકી કોણ પુકારે ?
કાયર અલ્પાત્મ અધીર !

એ કોણ પુકારે ‘નમવું?’
કોને ધરતા શિરતાજ ?
શું અન્ય જીવનમાં શમવું?
નહિ સ્વીકારું હું રવિરાજ !

મુજ હૈયે અગ્નિઉછાળા
બલ ઝરતું આ મુજ અંગ;
શું સરજ્યાં કરવા ચાળા
આચરવા પામર ઢંગ ?

એ શા દરબારો ભરવા?
શી ઝૂકી ભરવી સલામ !
શાં ખમાખમા ઉચ્ચરવાં ?
રચવા રંગીન ગુલામ !

નમી રવિ રજનીભર ઠરવું;
ઊઠવું ઠરી કિરણ પ્રણામ;
પરિક્રમણ વર્ષભર કરવું,
ઝીલવાં સ્મિત રોજ મુદામ !

ધૂમકેતુ : ૨૧