પૃષ્ઠ:Niharika.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રેમ કે કામ ?


૦ લય - જરા કહે દો સાંવરિયાસે આયા કરે૦

કોઈ કહેશો એ પ્રેમ કે એ કામ તણી છાય ?
અંતરમાં ચેતના સ્ફુરાવતું એ તત્ત્વ કો,
એને કોણ કોણ નામ થકી ઓળખાય ? – કોઈ કહેશો

સૌંદર્યમાં શું અખંડ વાસ એનો
યૌવન ઝુલાવે શું એનો હિંડોળો ?
એનાં ગાનો રસિક શું વસંત એક ગાય ? – કોઈ કહેશો

પુણ્યપ્રકાશથી એ શું પ્રફુલ્લતું ?
કે એ પાપના તિમિર થકી નિત્યે છવાય ? – કોઈ કહેશો

લહરી અનંત મહીં સાગર સંતાતો;
છાંટી અનેક રંગ સવિતા વિલાતો
એથી આનાં અધિક ચિહ્ન ! કેમ પરખાય ? – કોઈ કહેશો

પ્રેમ અને કામની પ્રવાહગતિ ભિન્ન શું ?
કે એ દ્વૈતનાં કો જાદુથી અદ્વૈત શું સધાય ? – કોઈ કહેશો


પ્રેમ કે કામ ? : ૪૯