પૃષ્ઠ:Niharika.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એક પ્રશ્ન


૦ કવ્વાલી ૦

જગના ફિલસૂફ, જરા ઊપજે,
મને મૂંઝવતો કંઈ પ્રશ્ન કરું.
તુજ જ્ઞાનતણી મહાજ્યોતિ સમીપ,
હું અજ્ઞ ઘડીભર બેસી ઠરું.

જનના હૃદયે ક્યમ હાસ્ય નથી ?
નયને ક્યમ સ્મિત વિલાસ નથી ?
મનમસ્તી તણો જરી ભાસ નથી.
કઈ નાવ થકી ભાવસિંધુ તરું ?

અહ રૂપકલાધર, થોભ જરા,
નીરખું ગગને કંઈ રંગઝરા;
ઉરમાં ઊછળે રસના ઊભરા.
ફલકે નથી રંગ ! હું ક્યાં ચીતરું ?

ધનપાલ, ગણી ધનના ઢગલા,
ખીલતી હસતી તુજ મુખકલા;
કથ, એ ધનના રણકાર નીચે
મહેતાબની આહ હું શેં વીસરું ?

શૂરવીર, ચઢી રણરંગ ઝૂઝે,
તુજ હાકથી માનવ જાત ધ્રૂજે;

૫૦ : નિહારિકા