પૃષ્ઠ:Niharika.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સુહાગી દૃશ્ય


૦ શાર્દૂલવિક્રીડિત ૦

દીઠાં દૃશ્ય સુહાગી ભવ્ય કુમળાં
ઘેરાં નભોમંડલે,
તારા રાશિ શશી રવિ ગૃહતણી
જ્યોત્સ્ના સદા યે ઢળે.

સંધ્યા ને અરુણોદયે વળી ઉષા
રેલાવી રંગો હસે;
કો વેળા રસમસ્ત વાદળી છકી
રંગી કમાનો કસે.

પુષ્પેગૂંથી સુવલ્લરી લચી નમી
લજ્જાળુ સ્મિતે દીપે;
તેના પાશથી ભાન ભૂલી ઝૂલતા
વૃક્ષે તૃષા ના છીપે

ઘેરાં વારી મહીંથી આવી અડકે
હિમાંશુ ને પોયણી;
ને આવે રવિ ભેટવા કમલિની
ઓઢી લીલી ઓઢણી.

એવાં દિવ્ય અનેક દૃશ્ય નીરખ્યાં,
તો યે ન તૃપ્તિ વળી.

૬૬ : નિહારિકા