પૃષ્ઠ:Niharika.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અભિલાષા

૦ ગરબી ૦

જગઅંધાર થકી પ્રિય ઊડીએ આપણે;
ઊંચે વિલસે અમીમય–પ્રભુમય દેશ જો;
ભર્ગ વરેણ્ય ભર્યાં જલધિજલ ઊછળે;
ઝીલશું પુણ્યભર્યા જલમાં હંમેશ જો.
જો જગપાર રહી કો જ્યોતિ ઝળહળે.

માનવ જગ બોળાચું ઘોર તિમિરમાં;
બંધનમાં માનવ કાયા કરમાય જો.
જનમન જકડાયાં જાલિમ જંજીરમાં;
અરસપરસનાં રુધિરધોધમાં ન્હાય જો.
ક્રૂર જગતમાં વેરઝાળ ભડકે બળે.

જગબંધન–જગઝેર ભૂલી ઊંચે જશું;
સ્વતંત્રતાના સમીરો ત્યાં લહેરાય જો;
કિલોલમાં ગાતાં રસમસ્ત બની જશું,
હૈયાં તપ્ત શીતળ સ્નેહે જ રસાય જો;
પ્રેમગીતા ગાયત્રી ઉરમાં ઊછળે !

રસસરિતા લહેરે એ પુણ્યપ્રદેશમાં.
વિહરીશું મનભર એ સરિતાતીર જો.
ઝીલશું ગાશું સરિતગીત આવેશમાં
ઉકેલશું રવ અર્થ સનાતન ચીર જો.
ગીત ધૂનમાં જગત દુઃખને દાટશું

૭૨ : નિહારિકા