પૃષ્ઠ:Niharika.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જો રસકુંજે દેવી દેવ રમી રહ્યાં.
રાસરમણની રમઝટ શી સોહાય જો!
પગઠમકે કરતાલે મન મોહી રહ્યાં;
પ્રેમછલકતો મહેરામણ ઊભરાય જો.
દિવ્ય રંગ પિચકારી ભરી ભરી છાંટશું.

પુણ્યજીવનરસ દીક્ષિત બનીને ચાખશું;
દિવ્ય મંત્ર કોતરશું હૃદયા સાથ જો;
દેવરાસતણી છબીને હૈયે છાપશું;
૨મશું આપણ રંગ ભરી ભરી બાથ જો.
અમૃત પીવા અમર વેલને વાટશું.

ભલે પછી જગમાં ઊતરીએ આપણે;
મંગલમય કુમકુમ પગલે પથરાય જો.
દિવ્ય તેજના પલકારા ભરી પાંપણે;
જોતાં જગ અંધાર કરાલ વિલાય જો.
રસગંગાનાં પૂર નહિ ખાળ્યાં ખળે.

વેરઝાળ વીરમે, જગબંધન તૂટતાં;
પ્રફુલ્લતા ઊઘડે માનવને મુખ જો.
પ્રેમસરે અનવધિ સુખ પંકેજ ફૂટતાં,
દિવ્ય રાસરમણાની જાગે ભૂખ જો.
એવું જગ રચવા અભિલાષા નહિ ફળે?

અભિલાષા : ૭3