પૃષ્ઠ:Niharika.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પનઘટ


૦ ગરબી ૦

પનઘટ જાવાના કોડ, મારા રાજ !
મને પનઘટ જાવાના કોડ !

માથે સોનાબેડલું, રેશમી ઓઢણી,
તાણું હું શણગટ સોડ, મારા રાજ !
મને પનઘટ જાવાના કોડ.

પાણી ધસે, ને મારી સાહેલડી હસે;
ભાળું હું સારસ સજોડ, મારા રાજ !
મને પનઘટ જાવાના કોડ.

શીળો સમીર–કંપી છલકે મારું બેડલું,
પહેરું હું પાણીડાંના મોડ, મારા રાજ !
મને પનઘટ જાવાના કોડ.

છમકે ઘૂઘરી ઠમકી અટકે પાય મારા;
હૈયાની મેં શું બકી હોડ ? મારા રાજ !
મને પનઘટ જાવાના કોડ.

પનઘટ : ૮૭