પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
90
નિરંજન
 

જીવવું છે?”

આટલી વાત થઈ ત્યાં એ નિર્જન વીથિકાને બેઉએ વટાવી નાખી હતી. રાજમાર્ગની ગિરદીમાં બેઉ પ્રવેશી રહ્યાં હતાં.

નિરંજનને પણ સાન આવી કે સુનીલાએ તો એ નિર્જન વીથિમાર્ગની રમ્યતાનો દાટ વાળી નાખ્યો હતો. બેઉ બાજુએથી સામસામી ડાળીઓના હસ્તમેળાપ કરી ઊભેલાં એ લીલાંછમ તરુવરો નીચે, પ્રકૃતિની એ એકલતા વચ્ચે, કેટલાં કેટલાં પ્રેમીજનોએ પ્રણયગોષ્ઠિઓ કરી હશે ! આ તરુવરો કેટલાં પ્રણયોચ્ચારનાં, ધગધગતા નિઃશ્વાસનાં, ઊના અશ્રુપાતોનાં, રિસામણાં અને મનામણાંઓનાં મૂક સાક્ષી હતાં ! કથાલેખકોએ કેટલી જુદીજુદી વાર્તાઓમાં આ નીલુડા રસ્તાને પોતાનાં પાત્રોની લીલાભૂમિ તરીકે વાપર્યો હતો !

એવા અદ્ભુતરંગી રસ્તાને સુનીલાએ પરીક્ષાનાં હૃદયહીન ટાયલાં માટે પસંદ કર્યો. સરસ્વતી-સેવાના મનોરથો જે મારગનાં તરુવરોની ઊંચી ડાળીઓએ હિંડોળા બાંધીને હીંચવા માગતા હતા, તે માર્ગ પર તો સુનીલાએ પરીક્ષાનાં સ્મરણોના પથ્થરો વેરી નિરંજનના પગને ઠોકર વગાડી.

"તમારી વાત સાચી છે.” નિરંજને કહ્યું, “તમને પરીક્ષાની તૈયારીમાં આટલો વિક્ષેપ પડાવ્યો તે મારી ભૂલ થઈ છે. ક્ષમા ચાહું છું.”

"વાતવાતમાં ભૂલનો સ્વીકાર અને ક્ષમાની ચાહના અતિશય નબળા મનની નિશાનીઓ છે.” સુનીલા હસતી હતી.

સુનીલાનાં ટોણાં વધતાં ગયાં, તેમતેમ નિરંજનને ડર લાગતો ગયો. સુનીલાનું મન આટલું તંગ શાથી થયું તે કંઈ સમજાયું નહીં. નિરંજન પેલી જૂની વાર્તા માંહેના સિંહની પેઠે જાળમાં વધુ ને વધુ અટવાતો ગયો. એણે પૂછી જોયું: “મારું મન વ્યગ્ર રહે છે. તમે કહો તો તમારી જોડે થોડું થોડું વાંચવા આવતો જાઉં.”

“નહીં, મને કોઈની જોડે વાંચવું ફાવતું જ નથી.”