પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
92
નિરંજન
 


કોઈ જ ભાવને આ એકધ્યાનતામાં ભંગ પાડવા દેવો એ મારી કર્તવ્યભ્રષ્ટતા જ છે. પરીક્ષા પ્રત્યે તિરસ્કાર સેવતા બેઠા રહેવું એ એક આત્મવંચના છે; મને મોકલનાર વડીલ પ્રત્યેનો દ્રોહ છે.

‘હટો! સુનીલા, રેવા, સર્વ મારી કલ્પના સામેથી હટી જાઓ !

'સારું જ થયું કે સુનીલાએ મારો ત્યાગ કર્યો. હું કેવળ બેવકૂફીને જ માર્ગે હતો. સુનીલા કેવળ મને બનાવતી હતી. સ્ત્રીનો મન:પ્રદેશ નિગૂઢ, અતલ, એક ઇંદ્રજાલ જેવો છે.'

એક રાતે બેસી, આવી આવી ગાંઠો અંતરમાં વાળી, ભેજું સાફ કરી ફરી નિરંજન તૈયારીમાં પડી ગયો.



19
“ગજલું જોડીશ મા !”

જેમજેમ આગગાડી વતનના ગામની નજીક ને નજીક જઈ રહી હતી, તેમતેમ નિરંજન માતાપિતાના મેળાપ માટે ચિંતામાં પડ્યો હતો. રેવાનો શોક એના હૃદય પર ઘેરાતો હતો. માબાપને જોતાં જ એ શોકનો ઘનઘોર તૂટી પડશે તો કેવી બૂરી દશા બનશે !

સ્ટેશન આવી પહોંચ્યું. ભારે હૈયે તે ઊતર્યો.

“કાં ભાઈ, આવ્યા ને?" કરતો એક બુઢઢો ટપ્પાવાળો સ્ટેશનની રેલિંગ ઝાલીને બહારથી ઊંચો થયો.

"હા, ઓસમાનકાકા !” નિરંજને જવાબ દીધો.

“લાવો ભાઈ, પેટી"

બીજા ટપ્પાવાળાઓ બૂમાબૂમ પાડતા ને હાથ લાંબા કરતા ભાડાની ચડસાચડસી કરવા લાગ્યા. પણ નિરંજને શાંતિથી સહુને કહ્યું:

“ભાઈઓ, મારે તો ઓસમાનકાકાના જ ટપ્પામાં બેસવું પડશે;