પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
94
નિરંજન
 

તું કામે લાગી જા! પણ એ ઊંધે માર્ગે ઊતરી ગયો.”

“શું થયું હતું, કાકા?”

"આ ભાઈ, અમારી ન્યાતમાં એક દેખાવડી છોકરી હતી. એની સૂરતમાં અલારખો ઝડપાઈ ગયો. પેલાં પ્રથમ તો બાઈએ છોકરાને આંબાઆંબલી બતાવ્યાં; પછી વળી બદલી ગઈ, બીજા હારે શાદી કરી ગઈ. આ તે દા'ડાથી હૈયાટો અલારખો ગળવા મંડ્યો. ગાડીએ જાય, પણ ગજલું જોડ્યા કરે. ભાડાબાડાનું ધ્યાન આપે નહીં. ઓલી ક્યાં છે ને ક્યાં નઈ તેના ખબર કઢાવ્યા કરે. એમ કરતાં કરતાં છેલ્લા એક મહિનાથી તો મંદવાડમાં ઘેરાઈ જ ગયો. મેં એને ઘણુંયે કહ્યું કે ભાઈ, હુંય એક દા'ડો તારા જેવડો જવાન હતો, મનેય ઇશકના ઘા લાગ્યા'તા, પણ મેં તો બાઈને રોકડું પરખાવી દીધું'તું કે તું તારે માર્ગે ને હું મારે માર્ગે! એક ઘડીય દલને વિસામો દઉં તો મને સતાવે ને? પણ વિસામો જ શેનો દઉં? કામ, કામ ને કામ માથે જ મંડી પડેલ. ઘરમાં દસ જણા ખાનારાં હતાં. દસેયને મોઢે જાર-બાજરીની રોટી તો મૂકવી જ પડે ને, ભાઈ? એમાં ગજલું જોડવી પોસાય ક્યાંથી?”

“ન પોસાય, કાકા! સાચી વાત."

નિરંજનને ભય પેઠો કે ઓસમાન ટપ્પાવાળાએ પોતાના વિશેની બારસો ગાઉ દૂર બનેલી ગુપ્ત વાત જાણી લીધી જણાય છે. શું મારો મામલો કોઈએ દેવકીગઢમાં ફેલાવ્યો હશે?

ઓસમાને ઉમેર્યું: “નિરંજનભાઈ. બેટા! તુંનેય કહું છું, કે કોઈ દે ન ફસાજે, બાપા ! સીધી લીટીએ હાલ્યા જાવું, મારા બાપા ! સંસારની ઘટમાળા છે; ખાવંદની કરામત છે. મરદ અને ઓરત તો માલેકે જ સરજેલ છે; એટલે ઇશક ને વજોગ, શાદી ને વિવા, બાલ ને બચ્ચાં, માંદગી ને મોત, ઇ તો હાલ્યા જ કરે. બાકી ગજલું જોડવાની વાતમાં સાર નથી રિયો, ભાઈ ! વધુ શું કહ્યું? તું તો બડો ઈલ્મી છો, હજારું કિતાબુંને ઘોળી પી ગ્યેલ છો."

“એ કિતાબોએ જ દાટ વાળ્યો છેને, કાકા!” એટલું કહેતો કહેતો