પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
96
નિરંજન
 


20
વાત્સલ્ય

નિરંજન પિતાજીના ચરણોમાં ઝૂક્યો કે તરત શ્રીપતરામભાઈ ખડા થઈ ગયા, પુત્રને ઊંચો કરી બાથમાં ઘાલ્યો ને કહ્યું:

“બેટા, 'प्राप्ते तु षोडशे वर्षे पुत्रं मित्रं समाचरेत् ।' તું હવે મિત્ર છે, નાનેરો ભાઈ છે, હવે મારે પગે પડવું ન ઘટે.”

નિરંજન નીચું જોઈ ગયો. પિતાએ પોતાનો દુર્બળ પંજો પુત્રની પીઠ પર થાબડ્યો. પુત્રના દેહમાં માંસની નવી પેશીઓ બંધાઈ ગઈ હતી તેને વારે વારે સ્પર્શ કરી ડોસા પત્નીને કહેવા લાગ્યા: “છ મહિનામાં તો ભાઈ ભારી ગજું કરી ગયોને શું ! આમ તો જુઓ, ભાઈને શરીરે હાથ તો ફેરવો.”

પણ માતાની હામ ચાલી નહીં. એનું વહેમીલું હૃદય ફફડતું હતું. એણે પતિને વાર્યા: “આવડું બધું હેત ન રાખીએ, ને હોય તોયે બહાર ન બતાવીએ. વધુ હેતની વધુ વમાસણ, જાણો છો ને?”

“લ્યો રાખો રાખો હવે !” ડોસાએ પત્નીના આર્દ્ર બનતા હૃદયને ભાંગી જતું રોકવા હાંસી કરી: “જગતમાં હેતના સાગર ને સાગર તો તમ જનેતાઓએ જ ભેળી થઈને ભરી દીધા છે. સ્ત્રીઓ ન હોત તો અમે પુરષો આટલાં બધાં પોચાં હૈયાંને ન સાંખી લેત. તમે સ્ત્રીઓએ જ આ સ્નેહદુર્બળતા આણી દુનિયાનો દાટ વાળ્યો છે.”

નિરંજને કપડાં ઉતારતાંઉતારતાં આ ડોસાડોસીની કરામત નિહાળી. રેવાના મૃત્યુની આછી છાયા પણ દીકરાના અંતર પર પડી ન જાય તે ખાતરની આ ચીવટ હતી.

"હવે જમવાનું?” માએ પુત્રને પૂછ્યું.

“કશું નવું ન કરશો, બા. હું જે હશે તેથી ચલાવી લઈશ.”

“ચલાવ્યાં ચલાવ્યાં!” પિતા ફરીથી હસ્યા, “જો ચલાવવાવાળો આવ્યો છે ! ચલાવી લેવાનું સૂત્ર જ તમારા જેવા જુવાનોનો ઘાણ કાઢે છે.