પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાત્સલ્ય
97
 

જાઓ, તમે ચૂલો પેટાવો.”

"શું કરવું છે?” પત્નીએ પૂછ્યું.

"શેરો ને ભજિયાં. આજ છ છ મહિને કાચાંપાકાં ભઠિયારા ખાઈને દીકરો ઘેર આવ્યો છે, જાણો છો? હલાવી નાખો શેરો."

“ભજિયાં શેનાં કરું?”

“લ્યોને, હું ઝડપમાં જઈને મરચાં, બટાટા ને કાંદા લઈ આવું.”

“પણ શા માટે?” નિરંજન દુભાતો હતો, “ખાલી ભજિયાંથી ચલાવી...”

“વળી પાછી ચલાવી લેવાની વાત કરી, ગાંડિયા!” પિતાએ જુવાન દીકરાને ગાલે કોમળ ટાપલી મારીઃ “કહું છું કે ચલાવી લેવાનો કાયર સિદ્ધાંત છોડ. આજે ભજિયાં વગર ચલાવી લેવાની ટેવ પાડીશ તો કાલે ભૂખ જેવી પત્ની વડે પણ ચલાવી લેવાની પામરતા પ્રવેશી જશે તારા હૃદયમાં, ભાઈલા!"

એમ કહેતા માંદલા ડોસા ટટાર બની ગયા, બંડી ઉપર ફાળિયું ઓઢી લીધું, માથા પર દુપટ્ટાનો ફટકો વીંટ્યો. ચાંખડીએ ચડી શાક લેવા ચાલ્યા. બહાર નીકળીને એક મોટા મકાન તરફ હાથ જોડી બોલ્યા: “ભગવતી ! શારદે ! પુત્રને આશીર્વાદ દેજે, પુત્રની રક્ષા કરજે. તારો દીધેલો છે, તારે ખોળે રમ્યો-ઊછર્યો છે. એક જ છે.”

એ ગુજરાતી શાળાનું મકાન હતું. ડોસા નિવૃત્ત થયા તે પછી પણ શાળા જોડેનો ત્રીસ વર્ષનો સ્નેહ ન ત્યજી શક્યા. શાળા એની સજીવ સંગિની બની ગઈ હતી. તેથી પોતે શાળાની નજીકમાં જ એક મકાન રાખી લીધું હતું. શાળાને ફરતા વિશાળ મેદાનમાં છુટ્ટીની વેળાએ છોકરાં કિકિયારીઓ કરતાં, બોરડી પર ચડી બોર પાડતાં, આંબલી-પીપળી ઉપર ઓળકોળાંબો રમતાં, ઊંચા પાટિયા પરથી લપસતાં, શિયાળાની ગુલાબી તડકીમાં મેદાનને ખૂણે ખૂણે વર્ગો બેસતા, આંકની મોંપાટો ગુંજી ઊઠતી, ને વચ્ચે વચ્ચે શિક્ષકોના હાકલા-પડકારા તેમ જ સોટીના ફડાકા સંભળાતા. એ બધું જોઈ જોઈ શ્રીપતરામભાઈને જીવન જીવવા જેવું