પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
98
નિરંજન
 

લાગતું; જીર્ણ નાડીઓમાં નવચેતનના ધબકારા બોલી ઊઠતા. શાળાનું રોજનું ગુંજારવ કરતું વાતાવરણ કેમ જાણે પોતાના શાસન તળે હોય, કેમ જાણે શાળાની હસ્તીના, સ્ફૂર્તિના, ને આબાદાનીના પોતે જ સર્જક હોય, કેમ જાણે પોતાના નજીક રહેવાથી શાળાનું જગત સદા જામતું, કિલ્લોલતું, ફાલતું-ફૂલતું હોય, એવા સુખદાયક અભિમાનની લાગણી એને ટકાવી રહી હતી.

બજારે નીકળ્યા ત્યારે જેટલા ઓળખીતા મળ્યા તે તમામને ડોસા કહેતા ગયા: “ભાઈ આવી ગયો છે.” દુકાને-દુકાને કોઈક નિમિત્ત કાઢીને ઊભા રહી સમાચાર આપતા ગયા: “ખબર છે ને? નિરંજન મુંબઈથી આવી ગયો.” “આ જુઓને, ભાઈ આવ્યો છે તે એના સારુ શેરો-ભજિયાં કરવાનાં હોવાથી કાંદા-બટાટા લેવા જાઉં છું.”

ડોશી ચૂલો ફૂંકતાં હતાં. નિરંજન રેવાવાળા ખંડમાં આંસુ ખાળતો હતો. સાથેસાથે પોતાના હૃદયને એ જાણે કે હાકલો પાડી કહેતો હતો. “આ તો સુખનાં સ્મરણોનાં આંસુ છે, હાં કે? આ કંઈ નબળા દિલની ઝાકળ-કણીઓ નથી.”

રસ્તે ત્રણચાર ગડથોલિયાં ખાઈ ડોસા પાછા ઘેર પહોંચ્યા. નિરંજનને જમાડી માતાપિતા ને પુત્રે શરીરો ઢાળ્યાં. એકેયને ઊંઘ આવી નહીં. વાતો કરતાં જ જાણે કે વહાણું વાયું.


21
નવીનતાની ઝલક

ળતે દિવસે પિતાજીને મહાભારત વાંચવા કોઈ ગૃહસ્થને ત્યાં જવાનું હતું. મહાભારતનો દળદાર ગ્રંથ ડોસા મુશ્કેલીથી બગલમાં દબાવતા હતા. એક હાથમાં ડગમગતી લાકડી હતી.