પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
100
નિરંજન
 

પાછી સમેટી લઈ દીવાનસાહેબને વંદન કર્યા. શ્રીપતરામ ડોસાએ પણ 'સાહેબ મહેરબાન!' શબ્દે સન્માન આપ્યું ને ઉમેર્યું કે: “ભાઈ આવી ગયો છે; કાલે રાત્રે આવી ગયો.”

“હલ્લો !” દીવાનસાહેબ આનંદભેર બોલી ઊઠ્યા, “કેમ છો? કયારે આવ્યા? અમારાં સુનીલાબહેન કેમ છે?”

“મને ખબર નથી.” નિરંજને જવાબ વાળતાં સરયુ તરફ જોઈ લીધું.

"વારુ! મળજો પછી. કેમ શ્રીપતરામ માસ્તર ! કેમ છો ? કંઈક લેવાયા લાગો છો.” દીવાનસાહેબે અવાજમાં દમામ પૂરીને તબિયતના ખબર પૂછ્યા.

“નહીં – નહીં રે સાહેબ ! ને હવે તો ભાઈ આવી ગયો છે એટલે શી ચિંતા છે ?” એમ કહી ડોસા પુત્રની મહત્તા ગાતા હતા.

દીવાનસાહેબ અને સરયુ પસાર થઈ ચોકમાં પહોંચી ગયાં. નિરંજને પાછળ નજર કરી ત્યારે સરયુ પણ પાછળ જોઈને પોતાની સાડીનો પાલવ સમારતી હતી.

સરખી ઉંમરનાં બે જણાં, મુખ્યત્વે કરીને સ્ત્રી અને પુરુષ, એક જ વખતે, એક જ ક્ષણે, એક જ પલકારે પાછળ જોઈ દ્રષ્ટિ મેળવી લે એ એક અકસ્માત જ હોય છે. છતાં આ અકસ્માત જગતના આદિકાળથી એક અચૂક નિયમરૂપે કેમ બન્યા કરતો હશે? એ એક સૃજનજૂની સમસ્યા નથી શું ?

પિતાને લઈ આગળ વધતો નિરંજન આ ગામમાં કેટલી નવીનતાઓ નિહાળતો હતોઃ ખંડેરો પુરાતાં હતાં; નવી ઇમારતો નીકળી રહી હતી. હટાણે આવેલાં આજુબાજુના પ્રદેશનાં ગ્રામજનો એ સાંકડી બજારને ગિરદી કરીને શોભાવી રહ્યાં હતાં. નાનપણથી જેઓને રોજ ને રોજ જોયા કરતો હતો તેઓને આજે જોવામાં નવીન કૌતુક, નવીન રસ પડવા લાગ્યો. સારુંય સચરાચર નવીનતામાં ભીંજાતું ભાસ્યું. પાણીનાં ચળકતાં ત્રાંબાળુ બેડાં ઉપાડીને નદીતીરેથી મલપતી ચાલે ચાલી આવતી