પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવીનતાની ઝલક
101
 

સ્ત્રીઓને આજે એણે નવદ્રષ્ટિએ નિહાળી નિહાળતાંનિહાળતાં એ ન ધરાયો. દુકાનદારોની જોડે રકઝક કરતી કાઠિયાણીઓ, આહીર વનિતાઓ અને ગોવાલણો નિહાળી. નિરંજન આજ પહેલી જ વાર ભાન પામ્યો કે આ સ્ત્રીઓમાંથી એકેક સુનીલા જાગી ઊઠતાં વાર ન લાગે. જવાંમર્દ ડાંખરા કાઠીઓ, આહીરો અને રબારીઓ પર શાસન ચલાવતી આ ઓરતો જો નવી દુનિયાને વિશે જ્ઞાન પામે અને સાધનો પામે તો પશ્ચિમની રમણીઓનું કયું સાહસ, કયું પરાક્રમ, કયું બુદ્ધિકાર્ય એમનાથી સાધ્ય રહી શકે ? રશિયાના શતકો-જૂના અંધારિયા ગ્રામપ્રદેશોમાં એક દાયકા પૂર્વે શું આંહીં છે તે કરતાંય સાતગણી બદતર હાલત નહોતી ? છતાં આજે ત્યાંનાં ઠેર ઠેરનાં સ્થાનિક રાજતંત્રોમાં રમણી કેવી દુર્દમ, તેજસ્વતી બની ઘૂમી રહેલ છે ! બંધાણમાં ડૂકી ગયેલા નિષ્ક્રિય પતિઓને પનારે પડેલી આમાંની કેટકેટલી લલનાઓ એકાદ ગાયભેંસનું દુઝાણું રાખી જીવનસંગ્રામ ખેડે છે ! અબલા, લજ્જાવતી, ધણીના માર પણ ખાતી, કોઈ કોઈ વાર ધ્રુસકે રડતી, જુનવાણી દેવદેવીઓને અંધ આસ્થા ધરી પૂજ્યા કરતી આ ને આ જ પહાડી સ્ત્રીઓ ખરાખરીને ટાંકણે કેવો ઉગ્ર સામનો કરી ખડી રહે છે ! આને કોણ પછાત કોમો કહે ? આ સૂકા સાગસીસમના કાષ્ઠમાં એક જ અગ્નિતણખો શું બસ ન થઈ પડે ? રાજની ભૂખડીબારશ પોલીસ, રાજની રાંકડી અદાલતો, રાજની વસૂલાત કરનારા માયકાંગલાઓ, એ બધા આ સિંહણોના એક જ હુંકારે ડરીને રાજધાની ભેગા ન થઈ જાય ?

આને કોણે ડરપોક કરી મૂકી ? ખેતરમાં ઊભા કરેલા પેલા ચાડિયાઓ કરતાં જરીકે વધુ જીવતી નહીં એવી રાજસ્થાની રાજસત્તાઓનો ભય આ પહાડની પુત્રીઓમાં ક્યાંથી પેસી ગયો ?

આવો એકાદ પ્રશ્ન પણ યુનિવર્સિટીના પરીક્ષકો અમને કેમ મૂકતા નથી ? ‘થિસીઝ' લખાવનારાઓ પોતાના વિદ્યાર્થીઓ પાસેથી આવું એકપણ સજીવ દૃષ્ટિબિંદુ નથી માગતા, નથી સૂચવી શકતા, કેમ કે નથી સમજી શકતા. પરીક્ષકો હજી ઓક્સફર્ડ-કેમ્બ્રિજની મધ્યયુગી પ્રણાલીની