પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
102
નિરંજન
 

એઠ જ જમી રહ્યા છે. થોથાં ને થોથાં લખાવે છે. તેની લખાવટ ચીલે ને ચીલે ચાલી આવે છે. આ પરીક્ષકોએ સોળ વર્ષના કિશોરોથી લઈ ચોવીસ વર્ષના તરુણોને હજારોની સંખ્યામાં ઝીણું ઝેર દઈદઈ જીવતે મૂઆ કર્યા છે. આ કતલખાનાનો કોઈ જોટો નથી ! આ જલ્લાદોને કોઈ સજા કરનાર નથી. આ...

વિચારદોર કપાયો. પિતાજી મહાભારત ગાતા હતા. કૃષ્ણવિષ્ટિનો પ્રસંગ ચાલતો હતો. ડોસાની હાંફતી છાતીમાંથી આટલો બુલંદ લલકાર શી રીતે નીકળે છે ! શ્રોતાઓ ઘૂંટણભર થઈ જાય છે.

વાચન પૂરું થયા પછી લોકોએ નિરંજનને ઘેરી લીધો ને યુરોપમાં જાગતી નવી જાદવાસ્થલી વિશે પૂછપરછ કરવા માંડી.

બે મહિના સુધી લાગટ પરીક્ષામાં જ ડૂબી ગયેલો નિરંજન પોતાના હાસ્યજનક અજ્ઞાન ઉપર અતિ લજ્જા પામ્યો, કેમ કે લોકો એના કરતાં તો કેટલુંય વધુ જાણતાં હતાં. લોકોને એ જ્ઞાન અનિવાર્ય થઈ પડેલું, કારણ કે એ જ્ઞાન ઉપર લોકોની રોટલીનો આધાર હતો.

રોટી ! આખરે તો રોટી જ બધા જ્ઞાનની માતા છેઃ નિરંજનની વિચારમાળામાં એ ઝબુકાટ થઈ ગયો.


22
માસ્તરસાહેબ

દીવાનસાહેબની મોટરનું ભૂંગળું વાગ્યું. શ્રીપતરામ માસ્તર ઘરની બહાર નીકળ્યા.

દીવાન શાળાનું મકાન તપાસતા તપાસતા ફરતા હતા.

“કાં, ક્યાં છે નિરંજન ?” સાહેબે પૂછ્યું.

“જી, આ રહ્યો ઘરમાં.”