પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એને કોણ પરણે?
105
 


ને નિરંજન એને ઝાલે તે અગાઉ એ છટકી ગયો.

થોડા દિવસ પછી ભણાવવાને વખતે દીવાનસાહેબ આવ્યા. જોડે સરયુ હતી, સરયુના હાથમાં બે ચોપડીઓ હતી. દીવાનસાહેબ એને લગભગ ઘસડતા લઈ આવતા હતા. એમણે નિરંજનને કહ્યું: “આમને પણ બેસારો, ને તપાસો કે અંગ્રેજી-ગુજરાતી કેવુંક કાચું-પાકું છે.”

સરયુની આંખો લાલ લાલ હતી. ગાલ પર તાજાં લૂછેલ આંસુની ભીનાશ હતી. એ દૂરની ખુરસી પર બેઠી.

પિતાના ગયા પછી ગજાનને નિરંજનને કહ્યું: “હું માસ્તરસાહેબ, હવે ઊંટિયા ઉપર વાંદરાની જોડે બીજું શું બેસારશો?"

નિરંજને નીચું જોયું, સરયુથી હસી પડાયું.


23
એને કોણ પરણે?

બીજો દિવસ થયો. નિરંજન ટ્યૂશનમાં જવા વધુ નિયમિત બન્યો હતો. એ પહોંચ્યો ત્યારે ગજાનન તો હાજર હતો, પણ સરયુ પા કલાક સુધી ન દેખાઈ. આખરે એ આવી, પણ પોતાની રાજીખુશીથી નથી આવી એ ચોખ્ખું દીસતું હતું. દીવાન એને પંપાળતા લાવતા હતા. સરયુના મોં પર આગલા દિવસની માફક જ રોષભરી ચૈત્ર માસની સંધ્યાના જ્વાલામય રંગો હતા.

રોજ રોજ એ-ની એ સ્થિતિ ચાલુ હતી. નિરંજન પણ એને વધુ છેડતો નહોતો; સીધેસીધો પાઠ લેતો તેમ જ દેતો. પોતે જેમ સરયુની સામે જોયા વિના જ કામ લેતો, તેમ સરયુ પણ લગભગ નીચું જોઈને જ જવાબો આપતી. એ જવાબોમાં પણ વાદીને કરંડિયેથી જાગતી ભુજંગિનીનો ખિજવાટ હતો.