પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
106
નિરંજન
 


એક દિવસ થાકીને નિરંજને ગજાનનની ગેરહાજરીમાં ઉગાર કાઢ્યોઃ “આમ તો ક્યાં સુધી ચાલે?”

સરયુની ગરદન ઊંચી થઈ. એણે નિરંજન સામે આંખો ફાડી કહ્યું: “ન ચાલે તો શા માટે ચલાવવું પડે છે?”

“ત્યારે શું કરું?”

“બાપુજીને ના કહી દેવી.”

“અહીં આવવાની?”

"એ તો જેવી મરજી. હું તો કહું છું – મને ભણાવવાની ના.”

"હું અહીં આવતો બંધ થાઉં તો તમે વિશેષ પ્રસન્ન થશો?”

"થઉંય તે.”

"મેં તમારું શું બગાડ્યું છે?”

“બધું જ.”

“શી રીતે ?”

“મારા તરફ કંટાળો બતાવવો છે, તો પછી બાપુજીને શા માટે છેતરી રહ્યા છો?"

'છેતરી રહ્યા છો' એ શબ્દો નિરંજનના કાન પર ખંજરની માફક ખૂત્યા. એણે પહેલી જ વાર પધોર નેત્રે સરયુનો સામનો કર્યો. સરયુ પણ સન્મુખ દ્રષ્ટિ રાખીને બેઠી હતી.

બંને સામસામાં તાકી રહ્યાં. મટકું મારવાનું ભુલાઈ ગયું. નિરંજન મુદ્દાની વાત ચૂકી જઈને મનમાં મનમાં હોડ કરવા મંડ્યો કે જોઉં તો ખરો, કોની દષ્ટિ પહેલી થાકે છે ! કોણ વહેલું મટકું મારે છે !

આંખોની એ રસાકસી ચાલતી હતી તે દરમિયાન નિરંજને સરયુને ધારી ધારીને નિહાળી. અચાનક એણે શોધ કરી લીધી કે સરયુ સુંદર છે. મુંબઈમાં બાંધેલો મત એક ખોટો વહેમ બની ઊડી ગયો. સરયુના મુખ પર રમતું રૂપ કરુણ અને નિરાધાર લાગ્યું. સરયુની મથરાવટીની લીલી કિનારી એના રાતા ચહેરાની ચોગમ ટંકાઈ જઈને લીલી આંબાડાળ વચ્ચેથી ડોકાતી. કોઈ સાખનો આભાસ આપવા લાગી.