પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
108
નિરંજન
 

સ્ટેશન તરફ જતી. આજે નિરંજનને વહેલું ઘેર જવું ગમ્યું નહીં. એ સ્ટેશનના રસ્તા તરફ વળ્યો. તડકો ગાળવા માટે આંબલીવાવ ઉપર જવા મન થયું.

ધુમાડાના લિસોટા પાડતી પાડતી આગગાડી દૂર દૂરની ડુંગરખીણમાં ઊતરી ગઈ હતી. અણદીઠ આગગાડી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ એ ઘાટી ધૂમ્રરેખા લાંબી ને લાંબી, ક્ષિતિજમાં કોઈ તોરણ બંધાતું હોય તેવી, નીકળતી ગઈ. પોતે પોતાની જાતને દેખાવા દીધા વિના પાવા બજાવ્યે જતી ટ્રેન, નથી સમજાતું કે શું શું જાદુ કરે છે. અણદીઠને સાંભળવામાં એ જ મજા છે. ડુંગરાઓની ગાળીઓમાં કોઈક અવાજ જ જાણે કે ગાતો ગાતો ઘૂમતો હતો, ઘડીક એ અવાજ ઊંડો ઊતરતો, ઘડીક પછી ઊંચે આવતો.

નિરંજન મુંબઈની સેંકડો લોકલગાડીઓનો સમાગમ સેવી આવ્યો હતો છતાં ગ્રામપ્રદેશો પર દિવસભરમાં અકેકી વાર જ રમતી, રૂમઝૂમતી ને ગાણાં ગાતી જતી નાનકડી ટ્રેનોની મોહિની એના મનમાંથી નહોતી મટી. નાના બાલક જેવો બનીને એ સડકના ઊંચા કાંઠા પર ચડી ટ્રેનના ધુમાડાની રેખાને શોધતો હતો.

ટપ્પાગાડીઓ ગામને માર્ગે કતારબંધ ચાલી જતી હતી. ટપ્પાવાળાઓ ટોકરીને અભાવે ટપ્પાનાં પાટિયા પર સોટીઓ લગાવી અથવા તો ફરતાં પૈડાંની દાંડીઓ પર લાકડી રાખી માર્ગ કરતા હતા. ઘોડાના ઘૂઘરાના રણકારા છેટેથી મધુર લાગતા હતા.

બધા ટપ્પા અને મોટર-ખટારા ચાલ્યા ગયા પછી એ બધાની ધૂળ-ડમરીઓથી વીંટળાઈને છેલ્લો ટપ્પો ડગુમગુ ડગુમગુ ચાલ્યો જતો હતો. ધૂળના ધુમ્મસ વચ્ચેથી હાંકનારના બોલ સંભળાતા હતાઃ “હાલ્ય મારા બાપા ! હાલો મારા બેટા ! હાલો ભાઈ ! આજ ચંદી ઓછી પડી'તી, ખરું કે? કાંઈ ફિકર નહીં, તુંયે દીકરા જેવો દીકરો કે નહીં? જેવા દી અમારા, તેવા દી તારા, ખરું બાવળા?"

"ઓસમાનકાકા લાગે છે,” નિરંજને ઘણે દૂરથી અવાજ ઓળખ્યો.