પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એને કોણ પરણે?
111
 


"એમ કાંઈ હોય, બાપા ?" ડોસો તાજુબીથી હસતો રહ્યો ને સુનીલાએ દીવાનબંગલા તરફ ચાલતી પકડી.

નિરંજન સુનીલાને કોઈપણ પ્રકારના શિષ્ટાચાર કર્યા વગર ચાલી જતી જોઈ રહ્યો. ને ઓસમાન બૂમો પાડવા લાગ્યો. "ઓ બેન ! ઓ બેટી ! મારે આ ન જોવે. પાછું લેતી જા.”

"એ ભાઈને આપી દેજો !” એવું કંઈક દૂરથી કહેતી સુનીલા લાકડી ને બગલથેલી સહિત વેગે ચડી.

ઓસમાને નિરંજનને પૂછ્યું: “હે ભાઈ, કોણ છે એ, અનોધા બળવાળી બાઈ ! કોઈક જોગણ લાગે છે, જોગણ. તમે ઓળખો છો ?”

"હા કાકા. સહેજસાજ.”

“દીવાનબંગલાને રસ્તે કેમ ગઈ ?”

"દીવાનસાહેબનાં જ મેમાન હશે.”

“માર્યા ત્યારે તો !" ઓસમાનને ડર લાગ્યો.

“કાં ?”

"મારું લાઇસન ખેંચાઈ જાશે.”

“હું નહીં ખેંચાવા દઉં. કાકા ! ચાલો ઘેર.”

“પણ હું ભાઈ ! આવી જોધાર બાઈ ? શે'રનું બૈરું આવું બળૂકુ ? શો એનો સીનો શો રૂઆબ ! શી દયા ! આવી જવાંમર્દ બાઈયું વરતી-પરણતી તો નહીં જ હોયને ? હેં ભાઈ ? ને કયા મરદની મગદૂર છે, કે આવીને પરણે પરણે તો તો પુરુષને ચપટીમાં ચોળી નાખે કે બીજું કંઈ થાય ? તાકાત છે પુરુષની, કે આવી ઓરતનું ધણીપણું કરી શકે ? તાકાત છે કાંઈ ?" એવું બોલતો ઓસમાન ચાલ્યો ગયો. નિરંજનને એણે નવો ગુરુમંત્ર આપ્યો.

પણ એ કેમ આવી ? ઓચિંતી કાં આવી ? ખબર નહીં કર્યા હોય ?

કાલે જાણી શકાશે બધું.

"મારે વિશે દીવાનસાહેબને કશી ઘસાતી વાત કહી દેવા તો નહીં આવી હોય ?” – એ વિચારે નિરંજનની રાતની ક્ષુધાને ઓલવી નાખી.