પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
116
નિરંજન
 

કાંડું ઝટકાવી કેમ નથી લેતા? મને તમાચો મારીને કેમ નથી હટાવતા? ક્યાં છે તમારું દૈવત? ક્યાં છે તમારું પૌરુષ?”

નિરંજનને રોષ આવી જ ન શક્યો. એની પ્રણયલાગણી પણ ક્યાંની ક્યાં ઊડી ગઈ. એનામાં આ મસ્તાનની જોડે મસ્ત બનવાનો આવેશ જ ન પ્રગટ થયો. સુનીલા હુતાશન હતી. નિરંજન ઠંડો હિમ હતો.

ભય ! ભય ! આબરૂ જવાનો ભય! લોકો વાતો કરશે તેનો ભય ! સરયુ શું ધારશે તેનો ફફડાટ ! બાપુજી અને બા કેવાં લજ્જિત બનશે એનો ગભરાટ ! – સર્વેએ નિરંજનને શરીરે પ્રસ્વેદનાં બિંદુ ટપકાંવ્યા.

"જાઓ —” સુનીલાએ નિરંજનના હાથને ધક્કો મારી છોડી દીધો, "હું જાણતી જ હતી. પણ તમે જ ભ્રમણામાં હતા, મારા નિરંજનભાઈ ! હવે તો ભ્રમણા ભાંગી ને? હવે તો સ્વસ્થ રહેશો ને?”

એટલું બોલી સુનીલા બોરડીના ઊંચા ઝાડ ઉપર બડૂકા મારતી મારતી બોરના ટબા ટબા પોતના મોંમાં મૂકતી રહી. ને ઠળિયા ગજાનનના માથામાં મારતી ગઈ. રૂની પૂણી જેવો ફિક્કો ચહેરો લઈને નિરંજન પાછો ફર્યો. મોટરમાં એ ઢગલો થઈને પડ્યો. મોટર ગામ તરફ ચાલી ત્યારે પછવાડેથી ટોળાએ કિકિયારી કરી. બજારમાં એ ચોરની માફક મોં સંતાડીને મોટરમાં બેસી રહ્યો. ઘેર ગયો ત્યારે એના મોં પર, અવાજમાં, છાતીમાં, છ મહિનાનો મંદવાડ ચડ્યો હોય તેવી શિથિલતા વ્યાપી ગઈ.

સાંજ પડી ત્યાં તો શ્રીપતરામ માસ્તરને ઘેર સ્નેહીજનોનાં પગરખાં ગામ ખખડી ઊઠ્યાં. આ સ્નેહીજનોનો સ્નેહ આવા અસાધારણ મામલામાં જ છલકાઈ જતો. એક પછી એક જણ આવી પૂછવા લાગ્યોઃ “શું, આજ દીવાન-બંગલે શું હતું? ભાઈ નિરંજનને ને એ બાઈને શો ટંટો હતો?”

“એ બાઈ કોણ છે?

“એવી નિર્લજ્જ!”

આ બધા પ્રશ્નોનો ખુલાસો આપવાનું કામ અશક્ય હતું. નિરંજન નિરુત્તર રહી જો બહાર ચાલ્યો જાય તો શંકાને વધુ સ્થાન મળતું.